સાહિલ બનીને આવેલા અલ્તાફ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

ગાંધીનગરમાં સગીરાનું શારિરીક શોષણ કરનાર
સિવિલ કેમ્પસમાં એસેસરીઝની દુકાનમાં નોકરી કરતા યુવાને નામ બદલી કેટલી સગીરાને શિકાર બનાવી તે જાણવા મથામણ
હાલમાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે તેમાં વિધર્મી યુવાનો
પોતાની ઓળખ છુપાવીને સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવતા હોય છે. ગાંધીનગરના એક
સેક્ટરમાં રહેતી સગીરા પણ આ જ પ્રકારના લવ જેહાદનો ભોગ બની હતી. ગાંધીનગરના સેક્ટર
૨૬માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવાને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાનું નામ
સાહિલ દેસાઈ રાખીને આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ યુવકે સગીરાની માસૂમિયતનો
લાભ ઉઠાવી સતત તેનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. અંદાજે છ મહિના અગાઉ
સગીરાના પરિવારને આ બાબતની જાણ થતા તેમણે અલ્તાફને બોલાવી કડક શબ્દોમાં ઠપકો આપ્યો
હતો અને સગીરાથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી. આમ છતાં, અલ્તાફ પોતાની
હરકતોથી બાજ આવ્યો નહોતો. ગઈકાલે જ્યારે સગીરા ઘરે એકલી હોવાની માહિતી મળી ત્યારે
અલ્તાફ ઉર્ફે સાહિલ તેના ઘરે પહોંચી ગયો હતો. આ અંગેની જાણ પાડોશીઓને થતા જ તેઓએ
તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી. સંગઠનના
કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મકાનના ત્રીજા માળે આવેલા ધાબાના
રૃમનો દરવાજો ખોલાવતા અલ્તાફ અને સગીરા સાથે મળી આવ્યા હતા. કાર્યકરોએ જ્યારે
યુવકનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેમાંથી સગીરા સાથેના વાંધાજનક ફોટા અને વીડિયો પણ
મળી આવ્યા હતા. જેથી તેને પોલીસ હવાલે પણ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે તેની સામે
પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે અને આ પ્રકારે અગાઉ કેટલી
યુવતીઓને ફસાવી હતી તે જાણવા પણ મથામણ શરૃ કરવામાં આવી છે. અલ્તાફ સિવિલ હોસ્પિટલ
કેમ્પસમાં એસેસરીઝની દુકાનમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે.









