Gujarat

રાજકોટ રેલવે સ્ટેશનમાં પોલીસમેન સાથે લૂખ્ખાની સરાજાહેર ઝપાઝપી

By GS TEAM
13 Feb 20262 mins read
રાજકોટ રેલવે સ્ટેશનમાં પોલીસમેન સાથે લૂખ્ખાની સરાજાહેર ઝપાઝપી

ફરજમાં રૂકાવટ કરી ધમકી આપનાર લૂખ્ખો ઝડપાયો

પોલીસમેને તમારે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તેમ પુછતા ઉશ્કેરાઇ જઇ ઉગ્ર થઇ માથાકૂટ કરતા નોંધાતો ગુનો

રાજકોટ: રાજકોટમાં લુખ્ખાઓને પોલીસનો પણ ડર રહ્યો નથી તેની વધુ એક પ્રતીતી કરાવતી ઘટના સામે આવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ ફતેસિંહ સાથે આરીફ ઉર્ફે માલીશ બસીરભાઇ બ્લોચ (ઉ.વ.૩૩, રહે. રુખડીયા મ.પરા) એ ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રેલવે પોલીસે યોગીરાજસિંહની ફરિયાદ પરથી આરીફ ઉર્ફે માલીશ સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. યોગીરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી રેલવે પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ડયુટીની ફરજ બજાવે છે. શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને તે આજે સવારે આઠથી રાતના આઠ સુધી રેલવે સ્ટેશન પર અન્ય સ્ટાફ સાથે સર્વેલન્સ ડયુટી પર હતા. 

આશરે પોણા આઠેક વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પર ૧/બી ઉપર અનાજ ગોડાઉનનાં પ્રવેશ દ્વાર સામે તે પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ જોવામાં આવતા તેને તમારે ટ્રેન મુસાફરી કરવાની છે તેમ પુછતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાનું નામ આરીફ ઉર્ફે માલીશ હોવાનું કહીં તેની સાથે ઉગ્રતાથી અપશબ્દ બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. 

તેણે સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને વાત કરતા સ્ટાફે તેને અટકાવી દીધો હતો. પુછપરછ કરાતા આરોપીએ તેનું નામ સરનામુ કહીં રાજકોટ શહેર/રેલવેમાં ઘણા ખરા કેસ છે તેમ કહીં ઉગ્રતાથી કહેવા લાગતા અંતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.