Gujarat

વડોદરામાં બાંગ્લાદેશની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

By GS Team
29 Jan 20252 mins read
This article was originally published on 29 Jan 2025
વડોદરામાં બાંગ્લાદેશની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

વડોદરા : બાંગ્લાદેશથી વડોદરા ખાતે એમ.એસ.યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરવા માટે આવેલી ફાર્મસી ફર્સ્ટ યરની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મરતા પહેલા વિદ્યાર્થિનીએ ચિઠ્ઠી લખી હતી જો કે ચિઠ્ઠીથી એ સ્પષ્ટ થતુ નથી કે ક્યા કારણથી વિદ્યાર્થિનીએ આત્મઘાતી પગલુ ભર્યુ. રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બાંગ્લાદેશના માગુરા ડિસ્ટ્રીક્ટમાં રહેતી મોહોના માહોરકુમાર મોંડલ હજુ ચાર મહિના પહેલા સપ્ટેમ્બર ૨૦૨૪માં વડોદરા આવી હતી. વડોદરામાં તેણે એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધુ હતુ અને ફાર્મસી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. શરૃઆતમાં બે સપ્તાહ તે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહી હતી. જો કે ત્યાં અનુકુળ નહી આવતા રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે રૃમ ભાડે રાખ્યો હતો.

મંગળવારથી તેની પરીક્ષા શરૃ થતી હતી. મોહોનાની ક્લાસમેટ મોહોનાના એડમિટ કાર્ડની ઝેરોક્ષ લઇને પરીક્ષા આપવા સવારે ૧૧ વાગ્યે પહોંચી હતી પરંતુ મોહોના પરીક્ષા આપવા આવી નહતી. પેપર બે વાગ્યે પુરૃ થતાં ક્લાસમેટે મોહોનાની ફ્રેન્ડને કોલ કર્યો હતો પરંતુ તેને પણ મોહોના અંગે જાણકારી નહતી. આ દરમિયાન સાંજે મોહાનાના માતા-પિતાનો મોહોનાની ફ્રેન્ડના મોબાઇલ ઉપર કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે મોહોનાનો સવારથી સંપર્ક કરીએ છીએ પણ ફોન રિસિવ કરતી નથી. જે બાદ મોહોનાની ફ્રેન્ડ અન્ય મિત્રોને લઇને નર્મદા એપાર્ટમેન્ટમાં મોહોનાના રૃમ ઉપર રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પહોંચી હતી. દરવાજા ઉપર તાળુ મારેલુ હતું પરંતુ કશુ અજુગતુ થયુ હોવાનું લાગતા મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા જોયુ કે મોહોનાએ પંખા સાથે ફાંસો ખાઇ લીધો છે.  મિત્રોએ તુરંત યુનિવર્સિટીના અધિકારીઓને અને પોલીસને જાણ કરતા રાવપુરા પોલીસે લાશનો કબજો લઇને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું અને કોલ્ડરૃમમાં લાશને ૩ દિવસ માટે રાખી છે.

મોહોનાની નોટબુકમાંથી નોટ મળી  'હું જે કરવા જઇ રહી છું તે મારે કરવું હતું, દબાણ કરનાર કોઇ નથી'

મોહોનાએ બાંગ્લાદેશમાં રહીને જ ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યો હતો. ધો.૧૨ સાયન્સમાં ૯૦ ટકા આવ્યા હતા અને વધુ અભ્યાસ માટે તેણે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યુ હતું.  જો કે વડોદરા આવ્યા બાદ ચાર મહિનામાં એવુ તો શું થયુ કે આપઘાત કરવો પડયો. 

પોલીસે તેના રૃમમાંથી એક નોટબુકમાં લખેલી નોટ કબજે કરી છે. અંગ્રેજીમાં લખાયેલી આ નોટમાં લખ્યુ છે કે ...

'હું જે કરવા જઇ રહી છું, તે મારે કરવુ હતું કારણ કે હું તે કરવા માગતી હતી. અંતે, મને આ કરવા માટે પ્રેરિત કરનાર કે દબાણ કરનાર કોઇ નથી'

ઉલ્લેખનીય છે કે મોહોનાના મિત્રોનું કહેવું છે કે થોડા દિવસ પહેલા તે મળી ત્યારે કહેતી હતી કે મને અહી ભણવામાં સમજણ પડતી નથી એટલે હું ખુબ પ્રેશર અનુભવુ છું.