આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ : સરકાર, કાયદો, મહેમાન... ગુજરાતીમાં 'આયાત' થયેલા અન્ય ભાષાના શબ્દો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Gujarati Language Day: આજે 24 ઓગસ્ટ છે ત્યારે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નર્મદાશંકર લાલશંકર દવેની 193મી જયંતીને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સાંપ જેમ કાંચળી બદલે તેમ ગુજરાતી ભાષાએ સમયાંતરે નવા શબ્દો અપનાવ્યા છે. ગુજરાતી ભાષામાં પણ હાલ અનેક એવા શબ્દો જે વિસરાઈ ગયા છે અને તેનું સ્થાન અન્ય શબ્દોએ લઈ લીધું છે. જેમાં શિરામણ, વાળુ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. રાત્રિના ભોજન માટે વાળુ જ્યારે સવારના સમયના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. હવે આ શબ્દોને સ્થાને મોટાભાગના લોકો ડિનર, બ્રેકફાસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે.
ગુજરાતી સાહિત્યને નવી દિશા
સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય તો માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં નિભીક અને સ્પષ્ટ વક્તા તરીકે નર્મદ પોતાની આત્મકથામાં લખે છે કે, 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો… મારી જાણ પ્રમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડે કે ન પડે…'
શબ્દકોશનું ઐતિહાસિક નિર્માણ
1970ના દાયકામાં કોઈએ જ્યારે કલ્પના સુધ્ધા નહીં કરી હોય ત્યારે નર્મદ ગુજરાતી ભાષાનો શબ્દકોશ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. એક વર્ષના પરિશ્રમ બાદ એ જમાનામાં તેમણે 25 હજારથી વધુ શબ્દો સાથેનો શબ્દકોશ તૈયાર કર્યો હતો. કદાચ આપણને ખ્યાલ પણ નહીં હોય કે આપણે રોજ બોલતા ઘણા શબ્દો ફારસી ભાષાના છે. સદીઓ પહેલાં ઈરાન અને ભારત વચ્ચે બંધાયેલા સાંસ્કૃતિક અને વેપારી સંબંધોએ ફારસી ભાષાને ગુજરાત સુધી પહોંચાડી હતી. સમય જતાં આ શબ્દો ગુજરાતીમાં એટલા વણાઈ ગયા કે હવે તે આપણા જ લાગે છે.
ગુજરાતીમાં વણાઈ ચૂકાયેલા અન્ય ભાષાના શબ્દો
અરબી : હિસાબ, કાયદો, દુનીયા, તારીખ, કિંમત, ખબર, હક, જરૂર, સબૂત, સલામ, સાહેબ, જલસો, ઈનામ.
ફારસી : સરકાર, દરવાજો, બજાર, દુકાન, મહેમાન, રંગ, દરબાર, કબાટ, કમર, બંદૂક, ચશ્મા, નાસ્તો, કલમ, દફતર, દુશ્મન.
અંગ્રેજી : પોલીસ, હોસ્પિટલ, ડૉક્ટર, ટિકિટ, ટ્રેન, બસ, સ્ટેશન, બોટલ, મોબાઈલ, રેડિયો, સિનેમા, હોટલ.
પોર્ટુગિઝ : તમાકુ, અનાનસ, બટાટા, પાઉં, સાબુ.
ફ્રેન્ચ : ગેરેજ, બ્યુરો.
ગુજરાતી ભાષાના વિસરાયેલા તળપદા શબ્દો
ગામોતરું : બહારગામ મહેમાનગતિએ જવું.
મઝિયારા : સંયુક્ત કુટુંબ.
ઝભલું : નાના બાળકોને પહેરાવવામાં આવતું આરામદાયક વસ્ત્ર.
વહેલ : વરરાજાને બેસાડીને લઈ જવા માટે શણગારેલું નાનકડું ગાડું.
પહેરણ-ખમીસ : સામાન્ય શર્ટ કે પહેરવેશ.
ખૂંટી : ઓસરીની દીવાલમાં જેના પર પાઘડી-તલવાર કે કપડાં-થેલી લટકાવી શકાય.
ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો.
ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું કે જ્યાં ગાદલાં-ઓશિકા મૂકવામાં આવે છે.
શિરામણ : સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલા નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને જતાં હોય છે.
વાળુ ટાણું : સંધ્યા ભોજનની વેળા.
વંડી : મકાનની આસપાસ માટીની બનાવવામાં આવેલી આશરે 6થી 8 ફૂટની દીવાલ.
ટબુડી : નાના બાળકોના પાણી પીવા માટે પિત્તળની ધાતુનું નાના આકારનું પાત્ર.
ફળિયું : ઘરની આગળની જગ્યા.
શિરામણ, વાળુ, ખૂંટી, વંડી, ફળિયું જેવા તળપદા શબ્દો સમયાંતરે ગુજરાતી ભાષામાંથી વિસરાયા.









