ટોલનાકું કે ઉઘરાણું નાકું... ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 6352 કરોડની ટોલટેક્સ વસૂલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Toll Tax Controversy: ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઇવે અત્યંત બિસ્માર અવસ્થામાં હોવા છતાં વાહનચાલકો પાસેથી સતત ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. એક તરફ ખખડધજ અને ખાડાવાળા રસ્તાઓને કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને સામાન્ય જનતાની કમર તૂટી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ રાહત આપ્યા વિના લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે. આમ, વાહનચાલકો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લાં એક જ વર્ષમાં વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. 6,352 કરોડ ટોલટેક્સના નામે ઉઘરાવવામાં આવ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં કરોડોનું ઉઘરાણું: નિર્માણ ખર્ચ કરતાં પણ વધુ રકમ વસૂલાઈ
સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. 24,813 કરોડ જેટલી માતબર રકમ વસૂલવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હાઇવેના નિર્માણ પાછળ થયેલા કુલ ખર્ચ કરતાં પણ વધુ રકમ ટોલટેક્સ દ્વારા વસૂલ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, નિયમ મુજબ ફાસ્ટેગ ન ધરાવતા અથવા ટેકનિકલ ખામીવાળા વાહનચાલકો પાસેથી દંડ પેટે પણ રૂ. 78.58 કરોડ ખંખેરી લેવામાં આવ્યા છે.
વરસાદમાં ધોવાયા હાઇવે: લોકોનો આક્રોશ ચરમસીમાએ, છતાં સરકારનું મૌન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે રાજ્યના શહેરો, જિલ્લા માર્ગો અને મુખ્ય હાઇવે ધોવાઈ ગયા છે. રસ્તાઓની આ દુર્દશા અને ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. હાઇવે ઓથોરિટીની આ ઘોર બેદરકારીને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાઈ રહ્યા છે. જનતા અને વાહનચાલકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવા છતાં સરકારે આ ગંભીર મુદ્દે મોં સીવી લીધું છે.
મળતિયા કોન્ટ્રાક્ટરો માટે કમાણીની ઋતુ અને ટોલનાકાંની સંખ્યામાં મોટો વધારો
ચોમાસું તો મળતિયા કોન્ટ્રાક્ટરો માટે કમાણીની સિઝન બની ગયું છે. ચોમાસા બાદ હવે રસ્તાની મરામતના નામે ફરીથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે અને કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં ગુજરાતમાં હાઇવે પર 38 ટોલટેક્સ નાકા હતા, જે વધીને વર્ષ 2025-26 સુધીમાં 66 સુધી પહોંચી ગયા છે. ટોલનાકાની સંખ્યામાં આટલો મોટો વધારો થયા પછી પણ રસ્તાની હાલત બદલાઈ નથી. જેથી હવે હેરાન-પરેશાન થયેલા વાહનચાલકો સરકારને સીધો સવાલ પૂછી રહ્યા છે કે જો રસ્તા જ સારા ન આપવાના હોય, તો પછી આટલો મોંઘો ટોલટેક્સ ઉઘરાવવાનું કારણ શું?









