Gujarat

માનવ આરોગ્યના હિતમાં પશુઓને અપાતી બે એન્ટી બાયોટિક્સ પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રનો પ્રસ્તાવ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પશુઓમાં વપરાતી 'કાબીક્સીપેનિસિલિન્સ' અને 'ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ' એન્ટિબાયોટિક્સ પર પ્રતિબંધ મૂકવા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ દવાઓના અતિશય ઉપયોગથી પશુઓમાં એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ વધે છે, જે દૂધ અને માંસ દ્વારા મનુષ્યમાં પ્રવેશી ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઉભા કરે છે. આ નિર્ણય WHOની ભલામણોને અનુરૂપ છે, જે માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવ આરોગ્યના હિતમાં પશુઓને અપાતી બે એન્ટી બાયોટિક્સ પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રનો પ્રસ્તાવ
AI IMAGE

Govt Proposes Ban on Animal Antibiotics: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત પશુઓમાં ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ 'કાબીક્સીપેનિસિલિન્સ' અને 'ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ' તેમજ તેના ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મૂકવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પશુઓમાં આ દવાઓનો અતિશય કે બિનજરૂરી વપરાશ માનવજાત માટે મોટું જોખમ ઊભું કરી રહ્યો છે.

પશુઓની સારવાર અને એન્ટીમાઈકોબાયલ રેજિસ્ટન્સનો પ્રશ્ન

આ બંને દવાઓ પશુઓમાં રોગ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરીને તેમને સાજા કરે છે. પરંતુ, તેના બિનજરૂરી વપરાશથી પશુના પેટમાં રહેલા સ્વાસ્થ્યવર્ધક ઉપયોગી બેક્ટેરિયા નાશ પામે છે અને પશુઓમાં એન્ટીબાયોટિક્સ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા એટલે કે ‘એન્ટીમાઈકોબાયલ રેજિસ્ટન્સ’ ઉત્પન્ન થઈ જાય છે.

  • પશુઓમાં ખાસ કરીને ઈ-કોલી બેક્ટેરિયાનું આક્રમણ થાય ત્યારે અથવા દૂધાળા પશુઓના આંચળ પર સોજો (માસ્લાસિસ) આવે તેમજ શ્વાસનળીના રોગોની સારવાર માટે આ દવાઓ વપરાય છે.
  • ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ પશુઓમાં થતા જટિલ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને આંતરડાના ગંભીર ચેપની સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 23 સપ્ટેમ્બરે મંત્રાલય દ્વારા પશુઓમાં 34 એન્ટીમાઈકોબાયલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને યુરોપિયન યુનિયનના દેશો દ્વારા લેવાયેલા પગલાં બાદ આ નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
    

દૂધ મારફતે માનવ શરીરમાં પ્રવેશતી દવાઓ અને સ્વાસ્થ્ય પર જોખમ

આ દવાઓના ઘટકો પશુના શરીરમાં તથા માંસ અને દૂધમાં ચોક્કસ સમય સુધી જળવાઈ રહે છે. જો આ દૂધ યોગ્ય કાળજી લીધા વિના કે પ્રોસેસ કર્યા વગર માનવ વપરાશમાં લેવામાં આવે, તો દવાના અવશેષો માનવ શરીરમાં પ્રવેશી જાય છે.

  • માનવ શરીરના બેક્ટેરિયા આ દવાઓ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી લે તો ભવિષ્યમાં માનવને ગંભીર ચેપ લાગવાના કિસ્સામાં સામાન્ય કે અન્ય એન્ટીબાયોટિક્સ પણ અસર કરતી નથી અને દર્દીને સાજા કરવા અત્યંત કઠિન બની જાય છે.
  • પેનિસિલિન જૂથની દવાઓના અંશવાળું દૂધ લેવાથી સંવેદનશીલ વ્યક્તિઓમાં ત્વચા પર લાલ ચકામા પડવા, શ્વાસ લેવામાં તકલીફ કે એનાફિલેક્સિસ જેવી ગંભીર એલર્જી થઈ શકે છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, સતત ઓછી માત્રામાં આ દવાઓ શરીરમાં જવાથી આંતરડાના ઉપયોગી બેક્ટેરિયા નાશ પામે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ અને કડક પગલાં
WHO દ્વારા આ બંને દવાઓને માનવ આરોગ્ય માટે ગંભીર એન્ટીબાયોટિક્સની કેટેગરીમાં મૂકવામાં આવી છે. સંસ્થાની ભલામણ મુજબ, માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વની આ દવાઓનો ઉપયોગ પશુઓમાં માત્ર અત્યંત ગંભીર સંજોગોમાં જ થવો જોઈએ.