Gujarat

વંથલી તાલુકાના કોયલીની સીમમાંથી 9416 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

By GS Team
21 Jun 20192 mins read
This article was originally published on 21 Jun 2019
વંથલી તાલુકાના કોયલીની સીમમાંથી 9416 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો



જૂનાગઢ, તા. 21 જૂન 2019, શુક્રવાર

વંથી તાલુકાના કોયલી ગામની સીમમાં આજે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડયો હતો અને રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી ૯૪૧૬ બોટલ દારૂ ઝડપી લીધો હતો. પરંતુ ટ્રક તથા ટેમ્પો ચાલક તેમજ અન્ય ત્રણ અજાણ્યા બુટલેગર નાસી ગયા હતા. પોલીસે ૩૦.૫૫ લાખનો દારૂ તથા વાહન મળી કુલ ૫૦.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વંથલી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના કોયલી ગામની સીમમાં આરજે૧૯જીએ ૯૬૧૭ નંબરના ટ્રેલર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો હોવાની અને તેનું કટીંગ થતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડયો હતો અને ત્યાંથી ૩૦.૫૫ લાખની કિંમતનો ૯૪૧૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસને જોઈ ટ્રક તથા જીજે૧૪ટી ૪૮૯૦ નંબરના ટેમ્પોના ચાલક તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો નાસી ગયા હતા.

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થળ પરથી ૯૪૧૬ બોટલ દારૂ, બે વાહન, મળી કુલ ૫૦.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે મોનિટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ યુસુફભાઈ શેરખાન બેલીમે બંને વાહનના ચાલક તેમજ નાસી ગયેલા ત્રણ અજાણ્યા સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

૯ હજારથી વધુ બોટલ દારૂ ભરેલો ટ્રક કોયલીની સીમ સુધી પહોંચી ગયો એ અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. હવે આ દારૂ કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

ટ્રકમાં ભુસુ ભરેલા કોથળા નીચે છુપાવ્યો હતો દારૂ
રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી દારૂ મળ્યો હતો. તે  ભુસુ ભરેલા ૧૭૫ કોથળાની નીચે છુપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે ટેમ્પો હતો તેમાંથી ૧૭ દૂધના કેરેટ મળ્યા હતા. આ ઉપરાંત ટ્રકમાં લગાવેલુ પાંચ હજારની કિંમતનું જીપીએસ પણ મળ્યું હતું.