આજે વિશ્વ પુસ્તક દિવસઃ વાચકોની વધતી સંખ્યા શાતાદાયક 15,00 પાનાંનો હસ્તલિખિત દુર્લભ ઉર્દુ ગ્રંથ : જૂનાગઢ પુસ્તકાલયનું ઘરેણું, ડિજિટલ યુગમાં પુસ્તક વાંચન અકબંધ
જૂનાગઢ, : ડિજિટલ યુગમાં પણ પુસ્તકનું વાંચન હજુ પણ અકબંધ છે. જૂનાગઢમાં પુસ્તકના વાંચન માટે નવાબી સમયની સિટી લાઇબ્રેરી અને જિલ્લા લાઇબ્રેરી આવેલી છે. બંને પુસ્તકાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. બંને લાયબ્રેરીઓમાં કુલ 21321 સભ્યો છે. અવનવી ભાષા સાથેના વિવિધ વિષયોના 91,000 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં દરરોજ વિદ્યાર્થીઓ વાંચનનો લાભ લઇ રહ્યા છે. દર વર્ષે વાચકોની સંખ્યામાં એક હજાર સભ્યોનો ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
આવતીકાલે વિશ્વ પુસ્તક દિવસ છે. જૂનાગઢમાં કોલેજ રોડ પર જિલ્લા લાઇબ્રેરી અને આઝાદ ચોક પર સિટી લાયબ્રેરી આવેલી છે. સિટી લાઇબ્રેરી સાથે નવાબી સંસ્મરણો જોડાયેલા છે. નવાબ રસુલખાનજીના કાર્યકાળ દરમ્યાન 1897માં ગવર્નર લોર્ડ સેન્ટ હસર્ટના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. જોકે આઝાદી બાદ બહાદુર ખાનજી પુસ્તકાલયના બદલે 1948માં લાયબ્રેરીનું જૂનાગઢ પુસ્તકાલય તરીકે નામ બદલવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પ્રાચીન પુસ્તકાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં સીટી લાઇબ્રેરીમાં ૪ હજાર સભ્યો છે. જે પૈકી દૈનિક 1,000 વાચકો નિયમિત છે. લાઇબ્રેરીમાં દુર્લભ પુસ્તકો સહિત વિવિધ વિષયોના 26764 પુસ્તકો છે. ગ્રંથપાલ વર્ષાબેન સાંચેલાના જણાવ્યા મુજબ પ્રાચીન હસ્ત લિખિત ગ્રંથો દર્શાવતું 15,000 પેજનું ઉર્દુ ભાષામાં સોનેરી બોર્ડરમાં લખેલું સૌથી મોટું અતિ દુર્લભ પુસ્તક પણ સંગ્રહ કરવામાં આવ્યું છે. લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી પણ આ પુસ્તકાલયમાં વાંચન માટે આવતા હતા.
જૂનાગઢ કોલેજ રોડ પર આવેલ જિલ્લા પુસ્તકાલયમાં દૈનિક 800 થી વધુ લોકો વાંચન માટે આવે છે. કારીકિર્દી માટે સવારથી રાત સુધી વિદ્યાર્થીઓ પુસ્તકના વાંચન માટે આવે છે. જિલ્લા લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અને ઈતર મળી વિવિધ વિષયોના 64455 પુસ્તકો છે. દર વર્ષે વાચકો સભ્યોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. વર્ષ ૧૯૫૬માં બનેલી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં પ્રારંભે 2828 સભ્યો હતા. હાલ 2026માં 17321 સભ્યો ધરાવે છે. દર વર્ષે અંદાજિત એક હજાર સભ્યોનો વધારો થઈ રહ્યો છે. વાંચન માટે બે બિલ્ડિંગો છે જેમાં સિટીઝન, યુવકો અને યુવતી માટે અલગ રૂમ રહેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી લાઇબ્રેરીની જગ્યા પણ ટૂંકી પડી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષા આસપાસના દિવસોમાં તો સંખ્યા વધતી હોવાથી લાયબ્રેરીની લોબી અને ગાર્ડન એરિયામા પણ વાચકો બેઠેલા જોવા મળે છે.
આંગળીના ટેરવે વાંચન માટે ડિજિટલ લાઈબ્રેરી રૂમ
પુસ્તકોનું વાંચન કરતા વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે તમામ પુસ્તકોની માહિતી મેળવી શકે તે માટે બંને લાયબ્રેરી ખાતે આવેલા હજારો પુસ્તકોને સોફ્ટવેરની મદદથી સેવ કરવામાં આવેલ છે. વાઇફાઇ અને ડિજીટલની મદદથી વિદ્યાર્થીઓ વિવિધ વિષયોના કેટેગરી મુજબના પુસ્તકોને આંગણીના ટેરવે વાંચી શકે છે.


