Gujarat

કંથારીયા પાટીયા પાસે ડમ્પરમાં રેતીની આડમાં છૂપાવીને લવાતો 84 હજારનો દારૂઝડપાયો

By GS Team
9 Jun 20202 mins read
This article was originally published on 9 Jun 2020
કંથારીયા પાટીયા પાસે ડમ્પરમાં રેતીની આડમાં છૂપાવીને લવાતો 84 હજારનો દારૂઝડપાયો

આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર

આણંદ જિલ્લાની આંકલાવ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે કંથારીયા પાટીયાથી ઝાલાપુરા તરફ જવાના માર્ગ ઉપર ગુપ્ત વોચ ગોઠવી મધ્યપ્રદેશથી રેતીની આડમાં છુપાવીને લાવવામાં આવેલ રૃા.૮૬ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૃના જથ્થા સાથે એક ડમ્પરને ઝડપી પાડયું હતું. પોલીસે વિદેશી દારૂભરેલ ડમ્પર સાથે ૪ શખ્શોને ઝડપી પાડી તમામ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂમંગાવનાર નાપાડના શખ્શને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આણંદ જિલ્લામાં વધતા જતા દારૃ-જુગારના બનાવોને અટકાવવા માટે ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લાની આંકલાવ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન ખડોલ(હ) ગામ નજીક વિદેશી દારૃની હેરાફેરી થવાની હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે આંકલાવ પોલીસની ટીમ ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન મધ્યરાત્રિના સુમારે એક મોટરસાયકલ ઉપર બે શખ્શો સવાર થઈને આવી ચઢતા પોલીસે શંકાને આધારે બંનેને અટકાવ્યા હતા. પોલીસે બંનેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તેઓ છોટા ઉદેપુરના પાનવડ ગામે રહેતા રમીઝ રહેમાનભાઈ મકરાણી અને ફૈઝલ ઈસ્માઈલભાઈ મકરાણી હોવાનું ખુલવા પામ્યું હતું. મોડી રાત્રે બહાર નીકળવાનું કારણ પુછતા આ બંને શખ્શો ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. જેથી પોલીસે બંનેની કડકાઈથી પુછપરછ કરતા તેમની પાછળ એક ડમ્પરમાં વિદેશી દારૃનો જથ્થો આવી રહ્યો હોવાનું અને તેઓ પાયલોટીંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસ આ બંને શખ્શોને સાથે રાખી નજીકની ઝાડીઓમાં સંતાઈ ગઈ હતી. દરમ્યાન થોડી જ વારમાં એક ડમ્પર આવી ચઢતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ડમ્પરમાંથી બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેના નામ-ઠામ અંગે પુછફરછ કરતા તે રણછોડભાઈ અખાજી વણઝારા અને રાજકુમાર હરીનાથા કોલચા (રહે.પાનવડ, છોટા ઉદેપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ડમ્પરની તલાશી લેતાં રેતીના થેલાઓમાં સંતાડેલ વિદેશી દારૂતથા બિયરની કુલ ૫૨૮ બોટલો તથા ટીન મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૃા.૮૬,૪૦૦ થવા જાય છે. પોલીસે આ ચારેય શખ્શોની પુછપરછ કરતા આ વિદેશી દારૃનો જથ્થો નાપાડ તળપદના સુલતાનપુરા ખાતે રહેતા વિશાલખાન નામના શખ્શે મંગાવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૃનો જથ્થો તથા ડમ્પર મળી કુલ્લે રૃા.૮,૨૯,૯૭૦નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય શખ્શોની અટકાયત કરી નાપાડના શખ્શને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.