Gujarat

જામનગરમાં કોરોના વાયરસનો અજગર રૂપી ભરડો એક જ પરિવારને લપેટાયો

By GS Team
20 Jul 20202 mins read
This article was originally published on 20 Jul 2020
જામનગરમાં કોરોના વાયરસનો અજગર રૂપી ભરડો એક જ પરિવારને લપેટાયો

જામનગર, તા. 20 જુલાઇ 2020, સોમવાર 

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક પરિવારના એકી સાથે આઠ વ્યક્તિઓ કોરોના સંક્રમિત બની જતા ભારે હાહાકાર મચી ગયો છે. બે દિવસ પહેલા એક દંપતી કોરોના સંક્રમિત બની ગયા પછી તેના પરિવારની વધુ 6 વ્યક્તિ કોરોના ગ્રસ્ત બની ગયા છે, અને સમગ્ર પરિવારની આઠેય વ્યક્તિઓને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં એકીસાથે પરિવારના 8 સભ્યો કોરોના ગ્રસ્ત બન્યાનો પ્રથમ કિસ્સો છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-54 માં વૃંદાવનમાં રહેતા દિપેશભાઈ નગીન ભાઈ કંસારા (ઉંમર વર્ષ-50) અને વર્ષાબેન દિનેશ ભાઈ કંસારા (ઉંમર-48) કે જેઓ ગત 18મી તારીખે કોરોનાગ્રસ્ત બન્યા હતા અને દંપતીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જયાં તેઓની સારવાર ચાલી રહી હતી. અને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા તેમના રહેણાંક મકાન સહિતના વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયો હતો. દરમિયાન ગઈકાલે કંસારા પરિવારની જ અન્ય વધુ 6 વ્યક્તિઓ કોરોના સંક્રમિત બની ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિગ્વિજય પ્લોટ શેરી નંબર-55 માં રહેતા હસુમતીબેન કંસારા (75 વર્ષ) ઉપરાંત હિતેશ ભાઈ કંસારા (ઉંમર વ.-50) તન્વી બેન હિતેશભાઈ (ઉંમર વ.-47) ખુશીબેન કંસારા (ઉંમર વ.-17) ઋષિ કંસારા (ઉંમર વર્ષ-14) અને વૃંદા કંસારા (ઉંમર વર્ષ-20) સહિત કોરોના સંક્રમિત બન્યા હોવાથી તમામને જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરના ઈતિહાસમાં એકજ પરિવારના એકીસાથે 8 વ્યક્તિઓ કોરોના સંક્રમિત બની ગઇ હોવાથી ભારે હડકંપ મચી ગયો છે.