Get The App

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના રિમાન્ડ પર લેવાયા

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના રિમાન્ડ પર લેવાયા 1 - image

Jamnagar : જામનગર શહેરમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોક કેસમાં પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં જેલમાં રહેલા મુખ્ય આરોપી અલ્તાફ ખફી સહિત 8 આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી કબ્જે લઈ રાજકોટની વિશેષ ગુજસીટોક અદાલતમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ સમગ્ર પ્રકરણમાં બંને ગેંગના કુલ 29 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી અગાઉ 14 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી દરમિયાન અસલમ ખીલજી ગેંગના અસલમ કાદરભાઈ શેખ, ઈસ્માઈલ ઉર્ફે ધરાર હશનભાઈ માંડલીયા, નદીમ મોહમદહુસેન ખીલજી અને લતીફ ઉર્ફે લતીફ બાપુ હાજીભાઈ શેખને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થતા તેમને રાજકોટ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરીને અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ દરમિયાન સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે હત્યાના પ્રયાસના કેસમાં અગાઉથી જેલમાં રહેલા પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી તથા તેના ગેંગના સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો યુનુશભાઈ કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા મહેબુબભાઈ રૂમી, તોહિદખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન, ઈસ્તીયાક શેખ, તબરેજ રફીકભાઈ હાલાણી અને હમીદ ઉર્ફે રોંઝો જાનમામદ બ્લોચનો કબ્જો મેળવી તેમને રાજકોટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કર્યા હતા.

અદાલતે તમામ 8 આરોપીઓને તા.23 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ ચલાવાઈ રહી છે, અને આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ પણ ગેંગ સાથે સંકળાયેલા અબુ સુફીયાન રહેમાનભાઈ કુરેશી અને ઓસમાણ મુસાભાઈ ખફી સહિતના 3 આરોપીઓ ફરાર છે, જેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

 ઉલ્લેખનીય છે કે હાલ વોર્ડ નં.12માં અલ્તાફ ખફી કોંગ્રેસ તરફથી અને અસલમ ખીલજી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. બંને આરોપીઓ હાલ જેલમાં હોવા છતાં તેમના પેનલના અન્ય ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. નોંધનીય છે કે અગાઉની ટર્મમાં બંને એક જ પક્ષ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા હતા. જેથી આ વખતે વોર્ડ નંબર 12 ની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.