Gujarat

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત

By GS TEAM
18 Dec 20252 mins read
અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત

- 433 કરોડની જમીન ખુલ્લી કરવા હજુ ત્રણેક દિવસ ડીમોલેશન ચાલશે

- 459 દબાણકારોને નોટિસ : અનિચ્છનિય બનાવને રોકવા પોલીસના ધાડે ધાડા ઉતર્યા, ફાયર અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ તૈનાત રહ્યો

તળાજા : અલંગમાં અંતે ઓપરેશન મેગા ડીમોલેશન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે ૫૫ કરોડ બજાર કિંમતની સાડા આઠ હેક્ટર જમીનમાં ખડકાયેલા દબાણોનો સફાયો કરાયો છે. દબાણ હટાવની કામગીરી હજુ ત્રણેક દિવસ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અલંગ-મણારમાં સરકારી જમીન પર માથાભારે તત્ત્વોએ ખોલી સહિતના દબાણો ખડકી દીધા હતા. જેને લઈ તંત્ર દ્વારા ૪૫૯ દબાણકારોને નોટિસ ફટકારી દબાણો દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં દબાણો ન હટતા આજે બુધવારે ડે.કલેક્ટર, ડિવાયએસપી સહિતના અધિકારીઓની આગેવાનીમાં સરકારી તંત્ર બુટલડોઝરો લઈને સ્થળ પર પહોંચ્યું હતું અને ૮.૫ હેક્ટર જમીન પરના દબાણો દૂર કર્યા હતા. તંત્રએ ૮.૫ હેક્ટર જમીનની બજાર કિંમત અંદાજે ૫૫ કરોડ રૂપિયા આંકી છે. કુલ ૬૩ હેક્ટર જમીનમાં દબાણો થયા હોય, જેની બજાર કિંમત ૪૩૩ કરોડ ગણી શકાય. આ તમામ જમીનને દબાણમુક્ત કરવા હજુ ત્રણેક દિવસ સુધી ડીમોલેશનની કામગીરી શરૂ રાખવામાં આવશે.

બે દિવસ પહેલા દબાણ હટાવવાની કામગીરી ન કરવાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેથી આજે ડીમોલેશન દરમિયાન અનિચ્છનિય બનાવને રોકવા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસની સાથે ફાયર અને એમ્બ્યુલન્સના સ્ટાફને પણ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો હતો.

ડીમોલેશનના પગલે શ્રમિકોએ વસવસો ઠાલવ્યો હતો કે, પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા ન હોવાથી અલંગ છોડી હવે વતન પરત ફરવું પડશે. આ બાબતે તંત્રએ જણાવ્યું હતું કે, કેટલાક શ્રમિકો અહીં બનેલી લેબર કોલોનીમાં રહેવા આવવા તૈયાર નથી. અમુક શિપબ્રેકરોએ શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા કરી છે. તો ઘણાં શિપબ્રેકરોએ શિપ કટિંગનું કામ પૂરૂ થયું ત્યારે જ મજૂરોને છુટ્ટા કરી દીધા હોવાનું કહીં હાથ ઉંચા કરી દીધા હતા.

અલંગ-સોસિયા યાર્ડ સંપૂર્ણ બંધનો ફિયાસ્કો

સરકારી તંત્ર દ્વારા ડીમોલેશન પાર્ટ-૨ કરવાની તારીખ નિર્ધારિત કરાઈ ત્યારથી જ લોકોનો વિરોધ શરૂ થયો હતો. ગત સોમવારે વાહનો ભરી લોકો તળાજા ડે.કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા અને દબાણ હટાવની કામગીરી મોકૂફ નહીં રખાય તો અલંગ-સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડને સંપૂર્ણ બંધ રાખવાના બણગા પણ ફૂંકવામાં આવ્યા હતા. પરંતુ બંધના ગુબ્બારાની હવે નીકળી ગઈ હોય તેમ ગઈકાલ બાદ આજે પણ મજૂરો કામ પર જતાં બંધનો ફિયાસ્કો થયો હતો.

દબાણો કરી રૂપિયા રળનારાઓ સામે કાર્યવાહી થશે

માથાભારે તત્ત્વો દ્વારા સરકારી જમીન પર મોટાપાયે કબજો કરી ગેરકાયદે રીતે ખોલીઓ બનાવી પરપ્રાંતિય પરિવારોને ભાડે આપી દર માસે લાખો રૂપિયાના ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા હતા. આવા શખ્સો સામે જો પૂરતા પુરાવા મળશે તો દબાણો કરી ગરીબ શ્રમિકોના પરસેવાની કમાણીના રૂપિયા રળનારાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર સજ્જ હોવાનું ડે.કલેક્ટર સોલંકીએ જણાવ્યું હતું.