જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી

- પાછલા 2 વર્ષની તુલનામાં આ વર્ષે અરજીની સંખ્યામાં વધારો
- કલેક્ટર કચેરી અને મામલતદારના અભિપ્રાય બાદ મંજૂરી અપાશે, ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનના સાધનો રાખવા પડશે
દિવાળીના પર્વે કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થાય છે. જેથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છુક વેપારીઓને કામચલાઉ ફટાકડા સ્ટોલ ઉભા કરવા અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્રીજી ઓક્ટોબરની છેલ્લી તારીખની સ્થિતિએ ભાવનગર શહેર અને જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલની પરવાનગી મેળવવા માટે કુલ ૭૭૦ અરજી આવી હોવાનું કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. અરજદાર વેપારીઓ દ્વારા જે સ્થળે ફટાકડા સ્ટોલ ઉભા કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે, તે સ્થળની અધિકારીઓ તપાસ કરી સ્ટોલને મંજૂરી આપવી કે નહીં તે અંગેનો અભિપ્રાય તૈયાર કરશે. મંજૂરી મેળવનાર કામચલાઉ ફટાકડા સ્ટોલધારકોએ ફાયર એનઓસી મેળવી ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનના સાધનો રાખવા પડશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે ફટાકડા સ્ટોલ માટેની અરજીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ માત્ર ૪૭૦ અને ૨૦૨૩માં ૬૮૦ અરજી આવી હતી.
જવાહર મેદાન માટે 63 અરજી આવી
શહેરના જવાહર મેદાનમાં જમીન ભાડે રાખી હંગામી ફટાકડા સ્ટોલ ખોલવા માટે ૬૩ અરજી આવી છે. જવાહર મેદાન માટે જિલ્લા કલેક્ટર કચેરી તંત્ર તરફથી ડ્રો કરી વેપારીઓને નિયત ભાડુ વસૂલી ડ્રોમાં મળેલો સ્ટોલ નંબર ફાળવવામાં આવશે. જવાહર મેદાનમાં અગાઉના વર્ષોમાં ૧૦૦થી વધુ સ્ટોલની સંખ્યા રહેતી હતી. પરંતુ હવે શહેરમાં વિસ્તાર પ્રમાણે સ્ટોલો ખુલવા માંડતા તેમજ માથાભારે તત્ત્વોના ત્રાસના કારણે વેચાણકર્તાઓનો કામચલાઉ ફટાકડા સ્ટોલ ખોલવા માટેનો રસ ઘટી ગયો છે.








