Get The App

છૂટા થઈ ગયેલા ડોક્ટરનાં નામે PMJAYમાં 76 સર્જરી બતાવી દીધી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
છૂટા થઈ ગયેલા ડોક્ટરનાં નામે PMJAYમાં 76 સર્જરી બતાવી દીધી 1 - image

જૂનાગઢની કે.જે. હોસ્પિટલે નાણાં ઉસેડવો માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું  : એમના બદલે જેણે સર્જરી કરી તે તબીબ NMC કે GMCમાં ત્યારે રજિસ્ટર્ડ જ નહોતાઃ 12.50 લાખની પેનલ્ટી, શો- કોઝ નોટિસ

જૂનાગઢ, : જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલી કે.જે. હોસ્પિટલમાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. પીએમજેએવાય અંતર્ગત ઇન્સ્યોરન્સ કંપની દ્વારા થયેલા ઓડિટમાં જે તબીબ ડિસેમ્બર- 2024સુધી જ હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા તેના નામે ડિસેમ્બર- 2024થી ઓક્ટોબર- 2025 દરમ્યાન 76 સર્જરી બતાવવામાં આવી હતી. જે તબીબે ઓપરેશન કર્યાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તે પણ ઓપરેશન કરવા માટે અધિકૃત ન હતા. આ ગેરરીતિ બદલ આરોગ્ય વિભાગ દ્વારા કે.જે. હોસ્પિટલને 12.50 લાખની પેનલ્ટી અને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

તાજેતરમાં કે.જે. હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે બે વૃધ્ધ દર્દીના મોત થયાના આક્ષેપ થયા હતા. આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પીએમજેએવાય યોજનામાં રહેલી કે.જે. હોસ્પિટલમાં  ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તા.ર૩-૧-ર૦ર૬ના આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. કે.જે. હોસ્પિટલમાં ડો. શ્રીનિવાસ કુમારન ડિસેમ્બર-2024સુધી હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા તેમાં હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર 2024થી 7-1-2025  સુધી તેમના નામે 76 ઓપરેશન દર્શાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન ડો. એસ. દિનેશ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડો. એસ. દિનેશ કોઈપણ સર્જરી કરવા માટે અધિકૃત ન હતા કારણ કે તેઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી) કે નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી) રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ ધરાવતા ન હતા અને પીએમજેએવાય-એમએ યોજનાના એચઈએમ પોર્ટલ પર અપ્રૂવ થયેલા ન હતા. તેમનું જીએમસી રજિસ્ટ્રેશન તા.1-4-02025 થી જારી કરવામાં આવ્યું હતું. આ બાબત હોસ્પિટલ દ્વારા રોજકામમાં સ્વીકારવામાં આવી છે.  કે.જે. હોસ્પિટલ દ્વારા આ 76કેસના કુલ 1.25 કરોડથી વધુની રકમના બિલ મુકવામાં આવ્યા હતા. ઓડિટ રિપોર્ટમાં આ ગેરરીતિ સામે આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલને બિલની રકમના 10 ટકા એટલે કે 12.50 લાખની પેનલ્ટી ફટકારી છે. આ રકમ 7 દિવસમાં જમા કરવા જણાવ્યું હતું