Get The App

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ 1 - image

અહો આશ્ચર્યમ્, ૬ મહિનાથી જુનિયરોનું રેગિંગ થતું હતું અને ડીન અને ફેકલ્ટી અજાણ?

સતત ૯ કલાક સુધી એન્ટિ-રેગિંગ કમિટિની બેઠક ચાલી, ૩૮ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પાસેથી નિવેદન અને પુરાવા લીધાં, રાત્રે બે વાગ્યે એન્ટી રેગિંગ કમિટિએ પ્રેસ કોન્ફરન્સ યોજીઃ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ

ભાવનગરભાવનગર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કાંડ મામલે ગત રોજ એન્ટી-રેગિંગ કમિટિની મિટિંગ મળી હતી. ૯ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ૩૮ વિદ્યાર્થિઓ અને ફેકલ્ટીના નિવેદન અને પુરાવા લીધાં બાદ રાતે બે વાગ્યે એન્ટિ-રેગિંગ કમિટિએ પ્રેસ કોન્ફરન્સ યોજી રેગિંગ કરનાર ૭ સિનિયર તબીબોને સસ્પેન્ડ કર્યાંની જાણકારી આપી હતી. તેમજ આજે સાત તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે હોસ્પિટલમાં જૂનિયરોની સતત સાથે રહેનારા ત્રીજા વર્ષના તબીબી સ્ટુડન્ટ અને પ્રોફેસરોએ પોતે આ રેગિગ વિશે અજાણ હોવાનું એન્ટિ રેગિંગ કમિટિને જણાવ્યું હતું.

ભાવનગર મેડિકલ કોલેજમાં ૧૩ જૂનિયર તબીબોનું તેના ૭ સિનિયર તબીબો દ્વારા છેલ્લા ૬ મહિનાથી કરવામાં આવેલા રેગિંગના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આ મામલે પીડિત તબીબોની ફરિયાદ બાદ ગત રોજ એન્ટિ-રેગિંગ કમિટિની બેઠક મળી હતી. સાંજે પાંચ વાગ્યે શરૃ થયેલી એન્ટી-રેગિંગ કમિટિની બેઠક ૯ કલાક ચાલી હતી અને રાત્રે બે વાગ્યે કમિટિએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં મેડિકલ કોલેજના ડીન ડૉ.ચિન્મય શાહે જાણકારી આપી હતી કે, કમિટિએ ૧૩ પીડિત વિદ્યાર્થી, ૬ રેગિંગ કરનારા વિદ્યાર્થીઓના નિવેદન અને પુરાવા લીધાં હતા. આ ઉપરાંત સિનિયર ત્રીજા વર્ષના રેસિડન્ટ તબીબી વિદ્યાર્થીઓનું કનેક્શન મળતા ૧૩ આર-૩ તબીબોના અને ૬ સપોર્ટ સ્ટાફ અને ફેકલ્ટીના નિવેદન લીધાં હતા. જે બાદ દસ્તાવેજી પુરાવા અને લેખિત નિવેદનોને અંતે એન્ટિ રેગિંગ કમિટિએ ૧૯મી જુનથી રેગિંગ કરનાર વિરેન્દ્ર જાડેજાને ૨ વર્ષ માટે, પ્રવિણ વર્મા, અમન વર્મા અને વિશાલ ડાભીને એક વર્ષ માટે તથા ધર્મેન્દ્ર દયાલ અને જયંત દેવાનીને ૬ મહિના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ તબીબોને ૧૯મીની સાંજે ૬ વાગ્યા સુધીમાં હોસ્ટેલ છોડી દેવાનો આદેશ કરાયો છે. તેમજ આ તબીબો કોલેજની કોઈ પણ પ્રકારની એકેડેમિક કે ક્લિનિકલ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહી અને તેમનો સર ટી.હોસ્પિટલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે પણ રેગિંગ કમિટિની બેઠક સાંજે ૪ વાગે મળી હતી. જેમાં રેગિંગ કરનારા વધુ એક વિદ્યાર્થી દિવ્ય મોદીનું નામ ખુલ્યું છે. જેને પણ ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. ઉપરાંત આજની મિટિંગ બાદ ડીને જણાવ્યું હતું કે, આ મામલે વિભાગિય વડા દ્વારા એનએમસીની ગાઈડલાઈન અનુસાર સાતેય સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે જૂનિયર તબીબોની સતત સાથે રહેનારા તેના સિનિયર આર-૩ તબીબ અને ફેકલ્ટીના એન્ટિ રેગિંગ કમિટિએ નિવેદન લીધાં હતા. જેમાં તેઓએ હોસ્પિટલમાં છેલ્લા ૬ માસથી જૂનિયરો સાથે થતાં રેગિંગથી અજાણ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ થઈ તે પૂર્વે ડીન પણ ૬ માસથી થતાં રેગિંગથી અજાણ હતા, જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી અને ફેકલ્ટી વચ્ચે સંકલનનો પૂર્ણ અભાવ દર્શાવે છે.

જૂનિયરોમાં ડીન કરતા પણ વધારે સિનિયરોનો ખૌફ

મેડિકલ શિક્ષણમાં રેગિંગનો એક કૂરિવાજની જેમ ફેલાયેલો છે જે દરેક લોકો જાણે છે. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો ભોગ બનનારા જૂનિયર તબીબો ૬ મહિના સુધી અત્યાચાર સહન કરતા રહ્યાં પરંતુ સિનિયરો સામે ફરિયાદ કરવાની હિંમત નહોતા કરતા કારણ કે, ડીન અને ફેકલ્ટી કરતા તેમને સિનિયરોનો ડર વધારે હતો. મેડિકલ કોલેજના ડીને પણ સ્વિકાર્યું કે, મેડિકલ અભ્યાસમાં રેગિંગનું દુષણ છે અને તેને દૂર કરવાના અમે સૌ પ્રયાસો કરી રહ્યાં છીએ.

મીટિંગનું રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કરનાર પ્રોફેસરને નોટિસ

મેડિકલ કોલેજમાં રેગિંગના મુદ્દે ચાલી રહેલી મિટિંગમાં મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વોર્ડના એસોસિએટ પ્રોફેસર ડૉ.પિનાકીન વોરા કેમેરાવાળા ચશ્મા પહેરીને આવ્યા હતા અને સમગ્ર મિટિંગનું શુટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જાસૂસ બનવાની તેમની તરકીબ નિષ્ફળ નિવડી હતી. ડીને તેમના ચશ્મા જપ્ત કરી રેકોર્ડિંગ ડિલિટ કરાવ્યું હતું અને તેમને નોટિસ આપવામાં આવી છે.