Gujarat

લૂંટને અંજામ આપવા નીકળેલા 6 શખ્સ જેલ હવાલે

By GS TEAM
18 Oct 20252 mins read
લૂંટને અંજામ આપવા નીકળેલા 6 શખ્સ જેલ હવાલે

- ઢસા પોલીસે લૂંટને અંજામ આપે તે પૂર્વે શખ્સોને ઉઠાવી લીધા

- શખ્સો આંગડિયા પેઢીની લૂંટને અંજામ આપવાની હિસ્ટ્રી ધરાવે છે

ભાવનગર : ગઢડા તાલુકાના ઢસા ગામે રસનાળ રોડ પર નદીના કાંઠે લૂંટ કરવા આવેલા ૬ શખ્સોને ઢસા પોલીસે લૂંટને અંજામ આપે તે પહેલા ગુરુવાર વહેલી સવારે ઝડપી લીધાં હતા. આ બનાવ સંદર્ભે છ શખ્સને કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ઢસાના રસનાળ રોડ પર નદીના કાંઠે શંકાસ્પદ કાર ઉભી છે અને તેમાં બેસેલા ઇસમો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ જગ્યાએ લૂંટને અંજામ આપવાના ઈરાદા સાથે હથિયારો સાથે એકઠાં થયા હોવાની બાતમીના આધારે ઢસા પોલીસે તપાસ કરતા નદી કાંઠે જીજે-૦૬-એમડી-૮૮૬૬ નંબરની કારમાં ચાર ઈસમો હતા.જેમની પુછપરછ કરતા સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા અને આ શખ્સો ઉમરડા રોડ ખાતે અન્ય ઈસમોના સંપર્કમાં હોવાનું જણાઈ આવતા પોલીસની એક ટીમને ઉમરડા મોકલી મેહુલ જશુભા ડાભી , ચરણભા ઉર્ફે લાલભા નથુભા વાઘેલા ,દિવ્યરાજ ઉર્ફે પપ્પુ શંભુજી ઉર્ફે મનુજી રાજપુત, મંગુભા દશુભા જાલા, દિપર સુરેશસિંહ ડાભી અને વિશાલ હિરણ્યસિંહ પરમારને ઢસા પોલીસે ઝડપી લીધા હતા.આ તમામ ઈસમો લૂંટ અથવા ધાડના ઈરાદે આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની પાસેથી છરા, લોખંડની કુંડળીવાળી લાકડી, આંગળીમાં પહેરી શકાય તેવું સ્ટીલનું પંચ, બુરખા, ગાઉન, દુપટ્ટા મળી આવ્યા હતા.પકડાયેલા છ ઈસમોને ઢસા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.