Get The App

અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધરપકડ

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધરપકડ 1 - image

Amreli Honeytrap Scandal: અમરેલી શહેરમાં ગે ડેટિંગ એપ 'Grindr' દ્વારા હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમ અને ગે ડેટિંગ એપ પરથી યુવકને મળવા બોલાવીને 6 શખસોની ટોળકીએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓએ પીડિત યુવકના કપડાં ઉતારી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પીડિત યુવકે અમરેલી પોલીસને જાણ કરતાં ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 

અમરેલીમાં ગે ડેટિંગ એપ ‘Grindr’ દ્વારા હનીટ્રેપ

પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર વાહનચાલક યુવક ઇન્સ્ટાગ્રામ પર આવતી એડવર્ટાઇઝ જોઈને 'Grindr' નામની ગે ડેટિંગ એપ થકી આરોપીની જાળમાં ફસાયો હતો. આ એપ પર તેને 'JAN' નામના આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો કે, "હું તમારી આસપાસ જ છું, શું તમે મને મળવા માંગો છો?" આ મેસેજનો રિપ્લાય આપવો યુવકને ભારે પડ્યો હતો. જેમાં સામેવાળા શખસે તેને મળવા માટે અમરેલીના બાયપાસ રોડ પર બોલાવ્યો હતો.

છરીની અણીએ લૂંટ ચલાવી વાંધાજનક વીડિયો શૂટ કર્યો

યુવક જ્યારે પોતાનું વાહન લઈને અમરેલી બાયપાસ રોડ પર પહોંચ્યો અને ગાડી ઉભી રાખી, ત્યારે પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. યુવક ઘટના સ્થળે પહોંચતાં આરોપીઓએ અચાનક ગાડીની ચાવી કાઢી લીધી હતી અને યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ છરી બતાવી યુવકના બળજબરીથી કપડાં ઉતરાવ્યા હતા અને તેનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો. આ દરમિયાન પાછળથી બીજા 4 સાગરીતો પણ આવી પહોંચ્યા હતા.

રોકડા લૂંટ્યા, ગુગલ પે કરાવ્યા અને 45 હજારની ખંડણી માંગી

આ ટોળકીએ યુવક પાસેથી ખિસ્સામાં રહેલા રૂ.800 રોકડા લૂંટી લીધા હતા. ત્યારબાદ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ઓનલાઇન 'ગુગલ પે' મારફતે રૂ.5000  પડાવી લીધા હતા. આટલાથી પણ સંતોષ ન થતા આરોપીઓએ યુવક પાસે વધુ રૂ.45000 ની ખંડણીની માંગણી કરી હતી અને જો રૂપિયા ન મળે તો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કરવાની ધમકી આપી હતી.

 આ પણ વાંચો: સાબરકાંઠા: પત્નીને 'ડાકણ' કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત, 12 શખસોની ધરપકડ

પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા

સમગ્ર મામલે ભોગ બનનારે હિંમત દાખવી અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના આધારે આ હનીટ્રેપ ગેંગના તમામ 6 આરોપીઓને રાઉન્ડઅપ કરીને દબોચી લીધા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કેટલા લોકોને આ જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવ્યા છે.