Get The App

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી 1 - image

ગ્રામ્ય વિસ્તારોમાં ફરી તસ્કરોએ દેખા દીધી

માત્ર પાંચ કલાકના ગાળામાં ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગર :  ગાંધીનગરના પોર ગામે તસ્કરોએ ધોળા દિવસે ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે. ખેતીકામ કરતા એક પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તે દરમિયાન માત્ર પાંચ કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ ઘરના તાળા તોડી અંદાજે ૬.૮૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે તસ્કરોએ ધોળે દિવસે બંધ મકાનોને નિશાન બનાવવાનું શરૃ કર્યું છે. શહેર નજીક આવેલા પોર ગામમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પોર ગામમાં રહેતા અને ખેતી કરી કરતાં જશુજી પૂંજાજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઇકાલે સવારે ૧૦ વાગ્યે તેઓ પોતાના પરિવાર સાથે જસપુર ગામે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે અંદાજે ૩ વાગ્યાના અરસામાં જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાની જાળીનું લોક તૂટેલું જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં જઈને તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. તસ્કરોએ રૃમમાં રાખેલા પેટી પલંગ અને છેલ્લા રૃમની લોખંડની તિજોરીને નિશાન બનાવી હતી. જશુજીના પુત્રવધૂના સોનાના દાગીના અને રોકડ સહિતની મોટી મત્તા ગાયબ હતી. તપાસ કરતા ઘરમાંથી કોઈ ૬.૮૫ લાખ રૃપિયાના દાગીના અને રોકડ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે તુરંત જ અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચી ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરી હતી.