Get The App

સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ 1 - image

- સુરેન્દ્રનગરની યુવતી સહિત 4 શખ્સે એક કરોડ પડાવ્યા હતા

- રૂ. 70 લાખ રોકડા, કાર, પિસ્તોલ જપ્ત : બે આરોપી હજુ ફરાર : ઝડપાયેલા 3 આરોપી સામે દારૂ-જુગારના 7 ગુના નોંધાયેલા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના સભ્યોએ સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનો આપત્તિજનક વીડિયો ઉતારી ૧ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના મામલે પોલીસે ગેંગની એક મહિલા સહિત ૪ આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસ મામલે પોલીસે રૂ.૬૯.૩૦ લાખની રોકડ રકમ તથા અપહરણમાં વપરાયેલી કાર અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

સાણંદના જમીન દલાલ હુસેનભાઇ અબ્દુલભાઇ મોમીનને સુરેન્દ્રનગરની એક યુવતીએ વોટ્સએપ પર મેસેજ કરી સંપર્ક કર્યો હતો. વાતચીતના ૨૦ દિવસ બાદ યુવકને સુરેન્દ્રનગરની હરેકૃષ્ણ સોસાયટી પાસેના એક મકાનમાં મળવા બોલાવ્યો હતો. યુવક જેવો મકાનમાં પહોંચ્યો કે તરત જ પૂર્વયોજિત કાવતરા મુજબ અન્ય પાંચ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવક-યુવતીનો વીડિયો બનાવી બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. યુવકે રકમ આપવાની ના પાડતા તેનું અપહરણ કરી રણ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંતે એક કરોડ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. યુવકે પોતાના પરિવારને જાણ કરી પાટડી પાસે આ મામલે રકમની ચુકવણી કરી હતી.

આ મામલે જમીન દલાલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવતી સહિત તોશીફ ખાન ઉર્ફે લાલો, સોહિલ ખાન મલેક અને આસિફ ખાન મલેકની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં ત્રણ આરોપી સામે અગાઉ દારૂ અને જુગારના સાતથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.

રિમાન્ડમાં અનેક ખુલાસા થશે

પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન હજુ ૩૧ લાખ રૂપિયા રિકવર કરવાના બાકી છે. આ ઉપરાંત, ફરાર આરોપીઓ અરબાઝખાન અને અમનની શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ ગુજરાતના અન્ય કેટલા વેપારીઓને પોતાની હનીટ્રેપની જાળમાં ફસાવ્યા છે.