Surat News: L&Tના કર્મચારીઓના વિવાદના વાઈરલ વીડિયોની અસર સુરતના હજીરામાં જોવા મળી હતી. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ના નિર્માણધીન પ્લાન્ટમાં કામ કરતા L&Tના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો મુદ્દે ઉગ્ર આંદોલન કરી ભારે તોડફોડ મચાવી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરી 40 જેટલા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
વિવાદનું કારણ શું?
પાણીપત સ્થિત IOCL કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જેમાં L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ હતી. આ લોકોની માગણીઓ પૂરી થતાં જ આ વિરોધના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોની સીધી અસર હવે ગુજરાતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ અને નિપ્પોનના પ્લાન્ટમાં જોવા મળી હતી જ્યાં કામ કરતા L&T કંપનીના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા સહિતની માગણીઓને લઇને ભારે હોબાળો મચાવ્યો હતો અને આ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડની સાથે આગચંપી કરી હતી. જોકે, આ દરમિયાન સ્થિતિ વણસી હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરતા મામલો ગંભીર બન્યો છે
કર્મચારીઓની માગ શું છે?
મળતી માહિતી અનુસાર, લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં આવી રહી ન હતી. શ્રમિકો પાસે 12 કલાક કામ લેવામાં આવે છે, જેની સામે તેઓ 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છે. હાલમાં ઓવરટાઇમ સિંગલ રેટ પર ચૂકવાય છે, જ્યારે શ્રમિકો ડબલ રેટની માંગ કરી રહ્યા છે. ઊંચાઈ પર જોખમી ઇરેક્શન કામ કરવા છતાં માત્ર 600થી 700 રૂપિયા જેટલું જ વેતન આપવામાં આવે છે.
વહેલી સવારે શરૂ થયેલો દેખાવ ગણતરીની મિનિટોમાં હિંસક બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને બાઈકોને આગ ચાંપી હતી. એન્ટ્રી-એક્ઝિટ ગેટ પરના અત્યાધુનિક પ્રવેશ મશીનો અને ઓફિસોમાં તોડફોડ કરી હતી.
પોલીસે 25થી વધુની અટકાયત
ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે 40થી વધુ ટીયરગેસના શેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર પ્લાન્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે મંત્રણાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, પ્લાન્ટમાં હજુ પણ તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.


