Get The App

દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી  દારૂની 466 પેટી ઝડપાઈ 1 - image

- મહુવાના ભાદ્રોડ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

- પંજાબના પટિયાલાથી લવાઈ રહેલી દારૂ-બિયરની 16,416 બોટલ સહિત રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

મહુવા : સ્ટેટ મોનિટરિંગ સેલે મહુવાના ભાદ્રોડ નજીક દુધના ટેન્કરમાં છૂપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂના મસમોટા જથ્થાને ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પંજાબના પટિયાલાથી ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂ-બિયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સહિત કુલ રૂ.૧ કરોડથી વધારેના મુદ્દામાલ સાથે ડ્રાઈવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના પટિયાલાથી દુધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવીને મહુવા તરફ આવતો હોવાની ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંસ સેલની ટીમે મહુવા નજીકના ભાદ્રોડ ગામ પાસે હાઈ-વે પર આવેલા બુટિયાના નાળા પાસે વૉચ ગોઠવી હતી અને બુટીયાના નાળા પાસે જીજે-૦૨-ઝેડ-૮૨૩૨ નંબરનું દુધનું ટેન્કર આવતા તેને અટકાવી તલાશી લેતા દુધના ટેન્કરમાં છૂપાવેલી ૪૬૬ પેટીઓમાંથી રૂ.૭૮,૨૦,૧૮૪ની કિંમતની વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સાથે ટેન્કરના ડ્રાઈવર હનુમાનરાવ માંગીલાલ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૦૩ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં દારૂનો આ જથ્થો તે પંજાબના પટિયાલાથી ભરીને લાવ્યો હતો અને ભરત દેવાસી (રહે. રાજસ્થાન)એ મોકલાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોને મોકલવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ કરી આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

 દુધના ટેન્કરના ચોરખાનામાં  દારૂ છૂપાવ્યો હતો

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવ કીમિયાઓ અજમાવતા રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આજે મહુવાના ભાદ્રોડ નજીકથી ઝડપેલા દારૂનો જથ્થો દુધના ટેન્કર નીચે ચોરખાનું બનાવીને તેમાં છૂપાવ્યો હતો.