Gujarat

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં 4627 ઉમેદવાર ગેરહાજર

By GS Team
8 Dec 20192 mins read
This article was originally published on 8 Dec 2019
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં 4627 ઉમેદવાર ગેરહાજર

ભાવનગર, તા. 8 ડિસેમ્બર 2019, રવિવાર

ગુજરાત જાહેર સેવા આયોગ હેઠળ નાયબ સેક્શન ઓફીસર અને નાયબ મામલતદારની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ હતી જેમાં ૫૮.૫૦ ટકા ઉમેદવારો હાજર રહ્યાં હતાં અને પરીક્ષા શાંતિમય રીતે પૂર્ણ થઇ હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય વર્ગ-૩ની પરીક્ષાની ગેરરીતિઓના મામલે વ્યાપક હોબાળા બાદ આજે યોજાયેલ ગુજરાત જાહેર સેવા આયોગ હેઠળની નાયબ સેક્શન ઓફીસર અને નાયબ મામલતદારની જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન હાથ ધરાયું હતું જેમાં પુરતા પોલીસ બંદોબસ્તની સાથોસાથ ક્યાંય કાચુ ન કપાય તેવી પુરતી વ્યવસ્થા ગોઠવી હતી. ભાવનગરના ૪૩ પરીક્ષા કેન્દ્રો પર ૪૩ સ્પેશિયલ ટાસ્ક ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જેઓએ પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ ખડેપગે દેખરેખ રાખી હતી.

જો કે, બિનસચિવાલય વર્ગ-૩ની પરીક્ષા દરમિયાન ઘણી ગેરરીતિઓ બહાર આવતા આ જાહેર પરીક્ષામાં કડક વ્યવસ્થા પહેલેથી જ ગોઠવાઇ હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકારીઓ, કેન્દ્ર સંચાલકો સહિતનાની બેઠકો બોલાવી જીણી વિગતોની પણ સંભાળ લેવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી લઇ પોલીસ બંદોબસ્તની પણ પુરેપુરી કેર લેવાઇ હતી. જ્યારે પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ પણ ઉત્તરવહી સ્ટ્રોંગ રૂમમાં પહોંચે ત્યાં સુધીની દેખરેખ માટે સ્પે. ટાસ્ક ઓફિસરો પણ નિમાયા હતાં. આમ તમામ બાબતો પ્રત્યે જાગૃતતા દાખવી આ જાહેર પરીક્ષા શાંતિમય રીતે યોજાઇ હતી.

આજે યોજાયેલ આ પરીક્ષામાં કુલ ૬૫૨૩ ઉમેદવારોએ ૪૩ કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. જ્યારે ૪૬૨૭ ઉમેદવારો ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિ સામે આવી નથી. આમ ભાવનગરમાં કુલ ૫૮.૫૦ ટકા ઉમેદવારોએ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી હતી.