- પોરબંદર જિલ્લામાંથી વિદેશ મોકલવાના નામે વધુ એક કૌભાંડ
- વડોદરાની રિધ્ધમ ઇમિગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઇસમો સામે અરજીના અઢી મહિને પોલીસ ફરિયાદ દાખલ
બગવદર પોલીસમાં અઢી મહિના પહેલા ફરિયાદ અરજી અને હવે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં, કુણવદરના ટીંમડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા રામાભાઇ સાજણભાઇ ગોઢાણિયા નામના ૫૧ વર્ષના આધેડે વડોદરાની રિધ્ધમ ઇમીગ્રેશન ચલાવતી કાજલ આદિત્ય જોષી, શ્રેયા પટેલ અને આદિત્ય જોષી સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીના પુત્ર રણજીત અને ધવલને નેધરલેન્ડના વીઝા કરાવવા અંગે વડોદરાની આ પેઢીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ઓસ્ટ્રીયા મોકલવાની ખાતરી આપી પાંચ લાખ રૂપિયા ભરવા જણાવ્યું હતું. ફરિયાદીની ચેનલનો ઉપયોગ કરીને ૧૩ લોકોની વીઝા પ્રોસેસ કરી. જે દરમિયાન જર્મનીના વીઝા અપાવવા ફરીથી વીડિયો બનાવી ફરિયાદીની ચેનલમાં અપલોડ કરતાં અનેક લોકોએ રોકડા પૈસા તેમજ આંગડીયા પેઢી મારફતે પૈસા મોકલ્યા હતા.
આમ, ઓસ્ટ્રીયા દેશના વર્કવીઝા માટે ૧૩ લોકોના ૨૧ લાખ ૧૦ હજાર, જર્મનીના વર્કવીઝા માટે બે વ્યક્તિઓના ૧ લાખ, નેધરલેન્ડના વર્કવીઝા માટે ૨૮ વ્યક્તિઓના ૧૬ લાખ ૯૦ હજાર એમ કુલ ૩૯ લાખ જેવી રકમ આંગડીયા પેઢી મારફત તથા નેધરલેન્ડની વર્કવીઝાની પ્રોસેસ માટે ૨૮ વ્યક્તિઓ પાસેથી ઓનલાઇન ૧૭૦૦-૧૭૦૦ લેખે એમ્બેસી ફી તથા વીઝા ફી ૧૧ હજાર સહિત ૩ લાખ ૫૫ હજાર ૬૦૦ મળી કુલ રૂા.૪૨ લાખ ૫૫ હજાર ૬૦૦નો ચૂનો લગાડયો છે.
- ફરિયાદીની ચેનલમાં જાહેરાત આપી 21 લાખ મેળવ્યા !
ફરિયાદી રામાભાઇ ગોઢાણીયાની યુ-ટયૂબ ચેનલ 'અર્જુન ફેશન ૭૭૭'માં સબસ્ક્રાઇબરની સંખ્યા વધુ હોવાની જાણકારી આરોપી કાજલને હોવાથી વીઝા દીઠ કમિશન આપવાની લાલચ આપી. શ્રેયા પટેલે વીઝા પ્રોસેસનો વીડિયો બનાવી ચેનલમાં જાહેરાત આપતા ફરિયાદીનો કોન્ટેક્ટ કરીને ૧૩ લોકોએ ૨૧ લાખ ૧૦ હજાર રૂપિયા પેઢીને આપ્યા હતા.


