જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો રોકાણ બાદ ઓનલાઇન તગડો નફો બતાવાયો પરંતુ ખાતામાંથી રકમ ઉપાડી ન શકાઈ, છેતરપિંડી થયાનું જણાતાં અંતે ફરિયાદ
જામનગર, : જામનગરનો એક કોન્ટ્રાક્ટર યુવાન શોર્ટકટથી નાણા મેળવવા માટેની એકના ડબલની સ્કીમમાં અમદાવાદની એક મહિલા સહિત 4ની ચુંગાલમાં ફસાયો હતો. તેણે રોકાણ કરવા માટે આપેલી રૂપિયા 23.98 લાખની રકમ કે જે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે.
જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન મયુરભાઈ કાન્તીભાઈ ગોહિલે આરોપીઓ અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પૂજા રાવત તથા ભવ્ય પટેલ સામે 23.98 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયું હતું કે અમદાવાદની આ ચીટર ટોળકીએ જામનગરમાં એકના ડબલ આપવાની લલચામણી સ્કીમ અંગે સેમિનાર રાખ્યો હતો. તેમાં ફરિયાદી યુવાને ભાગ લીધો હતો અને પહેલાં 3.99 લાખનું રોકાણ કર્યા બાદ મોટો નફો દેખાતા કટકે-કટકે વધુ રોકાણ કર્યું હતું.
કુલ 23.98 લાખનું રોકાણ કર્યા બાદ સોફટવેરમાં તેની એન્ટ્રીઓ પણ આરોપીઓએ બતાવી હતી અને રોકાણનો તગડો નફો પણ બતાવાતો હતો. બાદમાં ફરિયાદી યુવાને ખાતામાંથી જોઇતી રકમ ઉપાડવા પ્રયત્ન કર્યો પરંતુ રકમ એકાઉન્ટમાંથી બેંક ખાતામાં ટ્રાન્સફર ન થતા આ ચીટર ટોળકીનો સંપર્ક કરતા પહેલાં ગલ્લાં તલ્લાં કર્યા બાદ ધમકીઓ આપી અને છેવટે કોલ રિસીવ કરવાનું બંધ કરી દેતા ફરિયાદી યુવાનને તેની સાથે છેતરપિંડી થયાનું જણાતા સિટી સી ડિવીઝનમાં પોલીસમાં ચારેય સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.


