Gujarat

ચોરીના ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની પથ્થર ગેંગના ચાર સાગરિતો વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ઝપટે

By GS Team
31 Jan 20253 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
એલસીબીએ રોકડા રૂ.1 લાખ, સોનાના ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો, કાંડા ઘડિયાળ, 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો : આરોપીઓએ 10 ગુનાની કબૂલાત કરી, અન્ય ગુનાનો ભેદ ઉક્લાવાની શક્યતા

Summarized by AI; it may make mistakes. Check important info

ચોરીના ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની પથ્થર ગેંગના ચાર સાગરિતો વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ઝપટે

Valsad Crime : વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભિલાડ પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની પથ્થર ગેંગના ચાર સાગરિતોને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.1 લાખ, સોના-ચાંદીના દાગીના, વિદેશ ચલણી નોટ 35, કાંડા ઘડિયાળા, 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ ભિલાડના બે સહિત જીલ્લાના 10 ગુનાની કબૂલાત કરી હતી.

વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ રમણભાઈ, રાજુ ઝીણાભાઈ અને સંજય ઓધવજીભાઈને મળેલી બાતમીના આધારે ટીમે ભિલાડ પોલીસ હદ વિસ્તારમાં શોધખોળ દરમિયાન 4 શખ્સોને અટકાવી પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો. જોકે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ચારેય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું જણાવી મધ્યપ્રદેશની પથ્થર ગેંગના સાગરિત હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પાસે રહેલી બેગમાં તપાસ કરતા રોકડા રૂ.1,00,461, સોના-ચાંદીના દાગીના, 6 નંગ કાંડા ઘડિયાળ, 35 નંગ અલગ અલગ વિદેશી ચલણી નોટ અને 5 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પથ્થર ગેંગના ચારેય સાગરિતો હાબુ બાયસિંગ નાકાસિંગ મોહનીયા (ઉ.વ.30, રહે.બગોલી, મધ્યપ્રદેશ), બિલામ ઉર્ફે નાનકો રણસિંગ જ્ઞાનર્સિંગ સિંગર (ઉ.વ.20, રહે.સિંગાચોરી, મધ્યપ્રદેશ), નરસિંગ ઉર્ફે ભાયો ઉર્ફે મોટા ભાયો ભારતસિંગ ચમારીયા મહેડા (ઉ.વ.19, રહે હાલ. ખરોડર, અંકલેશ્વર, ભરૂચ, મુળ રહે. મુહાજા, મધ્યપ્રદેશ) અને મનોજ ઉર્ફે માનસિંગ નવલસિંગ ભવનસિંગ બામનીયા (ઉ.વ.23, રહે. કરચટ, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની કરેલી પ્રાથમિક પૂછપરછમાં ગેંગના સાગરિતોએ ચાર દિવસ અગાઉ ભિલાડના ગુરૂદેવ નગરમાં જસ્મીન રમેશભાઈ ભુવાન ભુવાના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડાની ચોરી કરી હતી. જયારે ભિલાડના તુલસીવીલાના એક બંધ મકાનમાંથી ચોરી કર્યોન કબૂલાત કરી હતી. આરોપીઓએ વલસાડ જીલ્લાના ભિલાડ સહિત કુલ 10 ગુનાની કબૂલાત કરી છે. આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાનો પોલીસે આશાવાદ વ્યકત કર્યો છે.


આરોપી દિવસમાં કડિયાકામ અને નોકરી કરી રાત્રે ગુનાને અંજામ આપતા હતા

મધ્યપ્રદેશની પથ્થર ગેંગના પકડાયેલા ચાર સાગરિતોની પૂછપરછમાં અનેક માહિતી બહાર આવી છે. પથ્થર ગેંગના મુખ્યસૂત્રધાર હાબુ મોહનીયા ગેંગના સાગરિતો સાથે ગુજરાતના અલગ અલગ શહેરોમાં કડીયાકામ તથા કંપનીમાં નોકરી કરી રાત્રી દરમ્યાન છેવાડાની સોસાયટીઓને ટાર્ગેટ કરી બંધ ઘરોના તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. ચોરી કરતી વેળા સોસાયટીમાં વોચમેન અથવા કોઇ સભ્યો જાગી જાય તો પથ્થરમારો કરતા હતા. ચોરી કર્યા બાદ આરોપીઓ મુખ્ય રસ્તાને બદલે જંગલ વિસ્તારમાંથી ભાગી જતા હતા. મૂખ્યસૂત્રધાર હાબુ મોહનીયા અલગ અલગ સમયે પોતાના તથા આજુબાજુના ગામોના શખ્સો સાથે ગેંગ બનાવી ગુનાને અંજામ આપતા હતા.

મુખ્ય સૂત્રધાર સામે અગાઉ 10 ગુના નોંધાયા હતા

પથ્થર ગેંગના મુખ્યસૂત્રધાર હાબુ મોહનીયા દ્વારા ગેંગનું સંચાલન કરવામાં આવતું હતું. ગેંગમાં અનેક શખ્સોને સમાવી લીધા બાદ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવામાં આવતો હતો. પકડાયેલા મુખ્યસૂત્રધાર સામે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સુરતમાં અગાઉ કુલ 10 ગુનાઓ નોંધાયા હતા. હાબુ ભિલાડ પોલીસ મથકમાં વર્ષ 2024માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પણ વોન્ટેડ હતો.

વોન્ટેડ આરોપી

નાનકો બાયસીંગ નાકાસિંગ મોહનીયા, મટલો ઉર્ફે પ્રકાશ બાયસિંગ અલાવા, અનીલ ઉર્ફે જગદીશ બાયસીંગ અલાવા, જીતન અલાવા (રહે. બગોલી, મધ્યપ્રદેશ), ગલીયો ધુલીયા સિંગર અને ખીમા એશુ ડાવર (રહે, સીંગાચોરી, મધ્યપ્રદેશ)