Get The App

દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા 1 - image

- સિગારેટના જથ્થાની કિંમત અઢીથી પાંચ કરોડ હોવાનું અનુમાન

- ભારતીય જળસીમામાં ઘૂસેલી શંકાસ્પદ બોટને આંતરી સુરક્ષા એજન્સીઓ દ્વારા કરોડોની દાણચોરીનો પર્દાફાશ

- બોટના નીચેના ભાગે છૂપાવેલા સિગારેટના 200 કાર્ટુન કબજે

- પકડાયેલા ચાર ઇરાનીઓને પોરબંદર લાવી પૂછપરછ

પોરબંદર: પોરબંદર થી ૧૪૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં કેમિકલ વાળું ડ્રગ્સ મળ્યાના અઠવાડિયાની અંદર જ હવે દ્વારકાના દરિયામાં ૧૧૫ નોટિકલ માઈલ દૂર ઈરાનની બોટમાંથી એક લાખ પેકેટ વિદેશી સિગરેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી છે અને ચાર જેટલા ઈરાની ઈસમો ને પકડીને પોરબંદર લાવવામાં આવ્યા છે.

ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન પાર પાડયું છે. દેવભૂમિ દ્વારકાથી આશરે ૧૧૫ નોટિકલ માઈલ દૂર પશ્ચિમ દિશામાં ભારતીય જળસીમા ની અંદર એક શંકાસ્પદ વિદેશી બોટને આંતરીને કરોડો રૂપિયાની દાણચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

 દરિયાઈ સીમા પર સતત પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સુરક્ષા એજન્સીઓને એક અજાણી બોટની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્તચર બાતમીના આધારે આ બોટને અટકાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમુદ્રમાં પીછો કર્યા બાદ સુરક્ષા દળોએ બોટને ઘેરી લીધી હતી અને તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વિદેશી બોટનામ 'અલ મુખ્તાર' છે. આ બોટમાં કુલ ચાર ઈરાની નાગરિકો સવાર હતા. ભારતીય જળસીમામાં કોઈપણ અધિકૃત પરવાનગી વગર પ્રવેશવા બદલ અને શંકાસ્પદ ગતિવિધિ બદલ ચારેય ક્ મેમ્બરોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી બોટના દસ્તાવેજો અને હેતુ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જ્યારે સુરક્ષા એજન્સીઓએ 'અલ મુખ્તાર' બોટનું ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બોટના હોલ્ડ (નીચેના ભાગ) માં ગુપ્ત રીતે છુપાવેલા ૨૦૦ જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા. આ કાર્ટૂનમાંથી આશરે ૧,૦૦,૦૦૦ એક લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત જથ્થાની કિંમત અંદાજે ૨.૫ કરોડ થી ૫ કરોડની હોવાનું અનુમાન છે. ભારતમાં ટેક્સ ચોરી કરીને અને ગેરકાયદેસર માર્ગે આ માલ ઘુસાડવાનો મોટો પ્લાન હોવાની શક્યતા છે.

- ડ્રગ્સ પકડાયા બાદ સિગારેટ મળતાં સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી

દરિયાની મધ્યમાં પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, વધુ તપાસ માટે બોટ અને ચારેય ઈરાની શખ્સોને પોરબંદર બંદર ખાતે લાવવામાં આવ્યા છે. પોરબંદર ખાતે હવે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા 'જોઈન્ટ ઈન્ટરોગેશન' (સંયુક્ત પૂછપરછ) હાથ ધરવામાં આવી છે, જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ,મરીન પોલીસ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ,કસ્ટમ્સ વિભાગ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ એજન્સીઓ સામેલ છે.