Gujarat

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી

By GS TEAM
30 Dec 20253 mins read
વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી

ખેડૂત પરિવારનાં 3 મકાનોના દરવાજા તોડી તસ્કરો પ્રવેશ્યા

ખેડૂત પરિવાર સીમમાં કામે ગયા પછી ધોળે દિવસે તસ્કરો સોનાના દાગીના, રોકડનો હાથફેરો કરી ગયા

જસદણ:  વિંછીયાના આંકડીયા ગામે ધોળા દિવસે ખેડૂત પરિવારના બંધ મકાનના તમામ દરવાજા અને કબાટના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં સહીત રૂ. ૮.૦૮ લાખની મતા ઉઠાવી જતાં વિંછીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બનાવને પગલે સ્થાનિક પોલીસની સાથો સાથ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.   

આંકડિયા ગામે રહેતા ૩૩ વર્ષીય ખેડૂત રસીકભાઈ ગુણાભાઈ કુકડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના આઠ વાગ્યે  અશોકભાઇ બારૈયાની ભાગીયે રાખેલી વાડીએ તે અને તેમની પત્ની કાજલબેન ગયેલ હતા. બપોરના બાર વાગ્યે મોટાભાઈ સંજયભાઈનો ફોન આવેલ કે, આપણા મકાને ચોરી થયેલ છે, ઘરના બધા દરવાજાના તાળા તોડી નાખેલ છે, જેથી ખેડૂત અને તેના પત્ની બન્ને ઘરે આવવા માટે નિકળેલ હતા. ઘરે જઈ જોતા બધા દરવાજા ખુલ્લા હતા. સંજયે વાત કરેલ કે, ઘરેથી સાડા દસ વાગ્યે તે તથા તેની પત્ની ભડલી ગામે ગેસના કામ સબબ ગયેલ હતા. બપોરે બાર વાગ્યે પરત આવી ડેલાનું તાળુ ખોલતા ડેલો અંદરથી બંધ હતો આથી ડેલાની તીરાડમાથી જોતા ઘરના દરવાજા ખુલ્લા હતા. વંડી ટપી અંદર જઈ જોતા  ઘરના દરવાજાઓના તાળાં તૂટેલી હાલતમાં જોવ મળ્યા હતા.

ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. ઘરમા રાખેલ કબાટનો દરવાજો તુટેલ હતો અને કબાટની અંદર રહેલ તેજુરીમા રાખેલ સોનાનો હાર રૂ.૧.૫૦ લાખ, ઓમના બે સોનાના પાદડા , ચાંદીની બે પહોચી, એક જોડી છડા,  નાના છોકરાના કડલી નંગ-૨, તુલસી ક્યારો મળી કુલ રૂ. ૧.૮૭ લાખની મતાની ચોરી થઈ હતી. સંજયભાઇના મકાનનો દરવાજાનો નકુચો કાપેલો મળી આવતા તેના રૂમના કબાટનુ તાળું પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તેના કબાટની તેજુરીમાથી એક સોનાનુ લોકેટ રૂ. ૧ લાખ, સોનાની બુટી તથા સર રૂ. ૧. લાખ, બે સોનાની વિટી,  ઓમના પાદડા નંગ-૨, સોનાના દાણા નંગ-ર, બે ચાંદીની પોચી,  બે જોડી ચાંદીના છડા, ચાંદીની એક જોડી બંગડી, ચાંદીના સાકળા જોડી ત્રણ તથા એક ચાંદીની વિટી મળી, કુલ રૂ. ૨.૫૩ લાખની મતાની ચોરી થઈ હતી.

સૌથી મોટા ભાઇ જયેશભાઇના મકાનનો દરવાજો ખુલ્લો હતો અને તેના કબાટની તિજોરીમાંથી રૂ.૪૮૫૦૦ની રોકડ,  પોણા ત્રણ તોલાનો સોનાના હારનો કટકો  ઓમના સોનાના બે પાદડા મળી કુલ રૂ. ૯૬૫૦૦ ની ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. ત્યારબાદ સૌથી નાના ભાઇ મહેશના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેર વિખેર પડેલ જોવામા આવતા તેના કબાટનુ તાળું પણ તૂટેલી હાલતમાં હોવાથી તપાસ કરતા અહીંથી ત્રણ તોલાનો સોનાનો હાર રૂ.૧.૫૦ લાખ,  સોનાની બુટી તથા સર, સોનાની વિટી નંગ-૧,  ઓમનુ પાદડુ નંગ-૧,  ત્રણ ચાંદીની પહોસી,  છોકરાની કડલી ચાંદીની નંગ-૧,  તુલસી ક્યારો તથા રોકડ રૂપીયા ૩૫૦૦ મળી કુલ રૂ.૨.૭૨ લાખની ચોરી થઈ  હતી. ખેડૂત પરિવારના ઘરના દરવાજા અને કબાટના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. ૮,૦૮,૫૦૦ ની ચોરી કરી જતાં વિંછીયા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અનુસંધાને વિંછીયા પોલીસની સાથોસાથ રૂરલ એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.