Gujarat

સીએ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં 13 મા ક્રમે, 35 વિદ્યાર્થીઓ સીએ થયા

By GS TEAM
3 Nov 20252 mins read
સીએ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં 13 મા ક્રમે, 35  વિદ્યાર્થીઓ સીએ થયા

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.સીએ ફાઈનલમાં વડોદરાના વિદ્યાર્થી માલવ ભરતભાઈ કાનાનીએ દેશમાં ૧૩મો અને સીએ ફાઉન્ડેશનમાં હર્ષ સરવૈયાએ દેશમાં ૧૧મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આજે વડોદરાના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ સીએની ડિગ્રી  પ્રાપ્ત કરી છે.

મળતી વિગતો પ્રમાણે વડોદરાના ૯૬૩ વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૮૦ વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૧૮.૬૯ ટકા આવ્યું છે.જ્યારે ૫૧૪ વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલના એક ગુ્રપ અથવા બીજા ગુ્રપની કે બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપી હતી.જેમાંથી ૧૩૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ફાઈનલનું પરિણામ ૨૫.૨૯ ટકા જાહેર થયું છે.  ૧૧૮૫ વિદ્યાર્થીઓએ સીએ ઈન્ટરના પહેલા કે બીજા ગુ્રપ અથવા બંને  ગુ્રપની એક સાથે પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૨૦૩ વિદ્યાર્થીઓ પાસ થતા ઈન્ટરનું પરિણામ ૧૭.૧૩ ટકા આવ્યું છે.

ફાઈનલ પરીક્ષા પહેલા ૧૪ મોક ટેસ્ટ આપ્યા હતા 

પહેલા જ પ્રયત્નમાં સીએની ડિગ્રી મળી છે.ઓલ ઈન્ડિયા રેન્ક આવશે જ તેવી મને ખાતરી નહોતી.ફાઈનલની પરીક્ષા પહેલા મેં ૧૪ મોક ટેસ્ટ આપ્યા હતા અને તેનાથી મને ઘણી મદદ મળી હતી.મારા પિતા સીએ છે અને તેમને જોઈને મને સીએના અભ્યાસની પ્રેરણા મળી હતી.મારુ માનવું છે કે, પરીક્ષાની તૈયારી સાથે શારીરિક રીતે પણ ફિટ રહેવું જોઈએ.જેનાથી અભ્યાસમાં વધારે મદદ મળે છે.હું અભ્યાસમાંથી સમય કાઢીને નિયમિત રીતે ચાલવા જતો હતો.

માનવ ભરતભાઈ કાનાની, ે ફાઈનલમાં ૪૬૦ માર્કસ, દેશમાં ૧૩મો અને વડોદરામાં પહેલો ક્રમ

મોટો ભાઈ સીએ અને પિતા એકાઉન્ટન્ટ

રોજ બેથી ત્રણ કલાક વાંચતી હતી.મોક ટેસ્ટ આપીને પરીક્ષાની તૈયારી કરી હતી.સાથે સાથે બીકોમનો અભ્યાસ પણ કરી રહી છું.મોટો ભાઈ સીએ છે અને પિતા પણ એકાઉન્ટન્ટ હોવાથી તેમને જોઈને સીએનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું.બીકોમ કરવાની સાથે સાથે સીએ કરવામાં વાંધો નથી આવતો.કારણકે સીએના કોર્સમાં બી કોમના કોર્સનો સમાવેશ થઈ જાય છે.ઈન્ટરની જેમ ફાઈનલ પરીક્ષા પણ પહેલા પ્રયત્નમાં પાસ કરવી છે.

નૈસર્ગી યોગેશ પટેલ, ૪૧૬ માર્કસ, ઈન્ટરમાં વડોદરામાં પ્રથમ

ભાઈને જોઈને સીએના અભ્યાસની પ્રેરણા મળી

મેં ધો.૧૨ની પરીક્ષા પૂરી થયા બાદ તરત જ સીએ ફાઉન્ડેશનની પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી.મારો ભાઈ સીએ છે અને તેને જોઈને મને લાગ્યું હતું કે, મારે પણ સીએની ડિગ્રી મેળવવી જોઈએ.મારા પિતા બેન્કમાં નોકરી છે.બીકોમની સાથે સાથે જ સીએની ડિગ્રી મળી જાય તેવી ઈચ્છા છે.

હર્ષ સરવૈયા, ૩૩૩ માર્કસ, ફાઉન્ડેશનમાં દેશમાં ૧૧મો અને વડોદરામાં પ્રથમ ક્રમ

વડોદરાનું પરિણામ દેશના પરિણામ કરતાં વધારે 

વડોદરા સીએ ચેપ્ટરના સૂત્રોએ કહ્યું હતું કે, આ વખતે વડોદરાનું પરિણામ દેશના પરિણામ કરતા સારુ છે.ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ એમ ત્રણે પરીક્ષામાં વડોદરાનું પરિણામ દેશના પરિણામ કરતા પાંચ થી ૬ ટકા વધારે છે.