રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ
ઓવરહીટિંગ, જાળવણીમાં બેદરકારી, ટેકનિકલ ખામીઓ અને ઉંદર વાયરિંગ કાતરી જતા હોવાથી આગ લાગવાનું વધતું જોખમ
રાજકોટ: રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો ત્યારથી જ કાળઝાળ ગરમીના કારણે રસ્તા પર દોડતા વાહનો અચાનક સળગી ઉઠવાની ઘટનાઓમાં વધારો થતો ચાલ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે મહિનામાં નાનાં-મોટાં ૩૫ જેટલાં વાહનો સળગવાના બનાવ બન્યા હતા.
શહેરમાં દર વર્ષે પેટ્રોલ-ડિઝલ અને સીએનજીવાળાં નવાં વાહનોની સંખ્યામાં વધારો થતો રહે છે. ઉપરાંત, જે લોકો નવાં ખરીદી શકતા ન હોય તે લોકો જૂના વાહનોની ખરીદી પણ કરતા હોય છે. આ વર્ષે ઉનાળામાં આકરા તાપના લીધે રાજકોટ શહેર અને હાઇવે પર દોડતા વાહનોમાં શોર્ટ સર્કિટ અને એન્જિન ઓવરહીટ થવાને કારણે ચાલુ વાહનોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની હતી.
તાજેતરમાં ભાવનગર રોડ પર એક ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઇ હતી. બનાવ બનતા ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર થોડીવાર ટ્રાફિકજામ સર્જાઇ ગયો હતો. આ ઉપરાંત ચોટીલાથી રાજકોટ તરફ આવતી એક સ્લીપરકોચ લકઝરી બસનાં એસીમાં ઓવર હીટિંગના કારણે શોર્ટ સર્કિટ થતાં આખી બસ આગની લપેટમાં આવી ગઇ હતી. ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે મુસાફરો તુરંત જ બસમાંથી ઉતરી જતાં સદ્દભાગ્યે મોટી જાનહાની ટળી હતી.
ફાયર બ્રિગેડના ચોપડે છેલ્લા બે મહિનામાં શહેર તથા આસપાસના વિસ્તારોમાં ૩૫ જેટલાં વાહનોમાં આગ લાગ્યાની ઘટનાઓ નોંધાઇ છે. આ તમામ ઘટનામાં ગરમીના કારણે એન્જિનમાં ઓવર હીટિંગ, વાયરીંગમાં શોટસર્કિટ, વાહનની જાળવણીમાં બેદરકારી, ટેકનિકલ ફોલ્ટ ઉપરાંત ફ્યુલ પાઇપ ફાટવા અંગેના કારણો દર્શાવાયા છે. ઘણી વખત પાર્ક કરેલી ફોરવ્હીલર વગેરે વાહનોમાં ઉંદર ઘૂસી જઇ વાયરીંગ કાપી નાખવાથી શોર્ટસર્કિટ થવાના લીધે પણ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.
- જૂના વાહનોમાં આગ લાગવાની શક્યતા વધુ રહે છે
ઘણા લોકો જૂના વાહનોની ખરીદી કરે છે. તેમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હોવાથી ક્યારેક કોઈ ટેકનિકલ ફોલ્ટ રહેવાના કારણે પણ વાહન સળગવાની શક્યતા રહે છે તેમજ એસી પર વધુ લોડ પડવાથી વાહનોમાં શોર્ટસર્કિટ થાય છે અને પેટ્રોલ-ડિઝલની લાઇન સુધી આગ લાગવાની ઘટનાઓ બને છે.
- એક મહિનામાં ક્યા પ્રકારનાં કેટલાં વાહનો સળગી ઉઠયાં
* પાંચ ટુવ્હીલર, * નવ ફોરવ્હીલર, * એક આઇસર, * એક જેસીબી, * એક ખાનગી બસ, * એક સીએનજી રિક્ષા.
- એન્જિનમાં પ્રેશર વધતાં રેડિયેટર કે ફ્યુઅલ પાઈપ ફાટવી અને એસીની પાઈપ લીક થવી એ મુખ્ય કારણો
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાસ કરીને વાહનોની સમયસર જાળવણી જરૂરી છે. મોટાભાગે જૂના વાહનોમાં અમુક પાર્ટ્સ નબળા પડી ગયા હોય છે. પેટ્રોલ અને સીએનજી વાહનો વધુ ઓવરહીટ થાય છે. ગરમીમાં હાઇવે પર સતત ચાલતા વાહનોમાં ઓવર હીટિંગના કારણે એન્જિનમાં પ્રેશર વધવાથી રેડીયેટર અથવા ફ્યુલની રબ્બરની પાઇપ ફાટી જવાથી આગ લાગવાની શક્યતા વધે છે. એસીની પાઇપ લીક થવાથી પણ આગ લાગે છે. વાહન ચાલકને પોતાના વાહનની જાણકારી હોવી જરૂરી છે. સમયસર ઓઇલ, કુલન્ટ (રેડીયેટરનું પાણી) ચેક કરવુ તેમજ વાયરીંગની ચકાસણી કરવી જરૂરી છે. સીએનજી વાહનોમાં ટાંકી તેમજ પાઇપ સહિતના પાર્ટ્સ નબળા પડવાના કારણે પણ આગ લાગવાની ઘટના બને છે.


