Gujarat

35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ

By GS TEAM
17 Nov 20253 mins read
35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ

વડોદરાઃ બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં  ડાયાબિટિસ,  હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.જેને લાઈફ સ્ટાઈલ ડિસિઝ એટલે કે જીવન શૈલીથી જોડાયેલા રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.વડોદરાવાસીઓ પણ તેમાંથી બાકાત નથી.૪૮ ટકા વડોદરાવાસીઓ આ પ્રકારના રોગોનું જોખમ છે તેવું એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટિસ્ટકસ વિભાગના વિદ્યાર્થીઓના સર્વેમાં સામે આવ્યું છે.

આ વિભાગના વિદ્યાર્થીઓ અનોખી દેસાઈ, પલક શાહ, લક્ષ્મી યાદવ અને પ્રીતિ સિંઘે પોતાના ગાઈડ અને વિભાગના હેડ પ્રો. વિપુલ કલમકરના માર્ગદર્શન હેઠળ બદલાતી જીવનશૈલીની સ્વાસ્થ્ય પરની અસર જાણવા માટે ૪૦૦ જેટલા વડોદરાવાસીઓને આવરી લેતો સર્વે હાથ ધર્યો હતો.

લોકોએ સ્વસ્થ રહેવા માટે કસરત કરવી જરુરી છે.આમ છતા સર્વેના તારણ પ્રમાણે ૩૫ ટકા શહેરીજનો કોઈ જાતની કસરત કરતા નથી.જ્યારે ૩૫ ટકા શહેરીજનોએ રોજ ૩૦ મિનિટથી ઓછી કસરત કરતા હોવાનું કહ્યું હતું.૩૦ થી ૬૦ મિનિટનો સમય કસરત માટે ફાળવનારા લોકોની સંખ્યા ૧૭ ટકા હોવાનું અને ૬૦  મિનિટથી વધારે કસરત કરતા લોકોની સંખ્યા ૧૧ ટકા હોવાનું પણ સર્વેમાં જાણવા મળ્યું હતું.

શહેરીજનોની ખાન- પાન અને ઊંઘવાની આદતો

--૫૧ ટકા લોકો રોજ ૨ થી ૩ લીટર, ૨૩ ટકા લોકો ૧ થી ૨ લીટર, ૨૧ ટકા લોકો ૩ લીટરથી વધારે પાણી પીએ છે.૪ ટકા લોકો એક લીટર કરતા પણ ઓછું પાણીએ પીએ છે.

--૩૨ ટકા વડોદરાવાસીઓ સપ્તાહમાં એક વખત ફાસ્ટફૂડ ખાય છે,૩૧ ટકા ક્યારેક, ૨૧ ટકા ૨ થી ૩ દિવસે એક વખત, સાત ટકા રોજ ફાસ્ટફૂડ ખાય છે તો સાત ટકા ફાસ્ટફૂડથી હંમેશા દૂર રહે છે.

--૪૨ ટકા લોકો રોજ, ૩૦ ટકા લોકો દર ૨ થી ૩ દિવસે, ૧૯ ટકા લોકો સપ્તાહમાં એક વખત, ૨૩ ટકા લોકો ક્યારેક જ ફ્રુટ ખાય છે

--૫૦ ટકા વડોદરાવાસીઓ રોજ ૬ થી સાત કલાકની, ૩૪ ટકા શહેરીજનો ૮ થી ૯ કલાકની અને ૧૩ ટકા લોકો ૬ કલાકથી ઓછીઊંઘ લે છે.

ભારતમાં ૭.૭ કરોડ લોકોને ડાયાબિટિસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, દુનિયામાં દર વર્ષે જેટલા લોકો મોતને ભેટે છે તેમાં  ડાયાબિટિસ, કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝ અને હાયપરટેન્શનનો ભોગ બનેલા લોકોનું પ્રમાણ ૭૧ ટકા જેટલું છે.બિન આરોગ્યપ્રદ ખોરાક, ઉંઘના અનિયમિત કલાકો જેવા પરિબળોનો તેમાં બહુ મોટો ફાળો છે.ભારતને તો ડાયાબિટિસની કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે.દેશના ૭.૭ કરોડ લોકોને ડાયાબિટિસની બીમારી છે.

૩૩ ટકાને ડાયાબિટિસ અને ૨૪ ટકાને હાઈ બીપી

સર્વેમાં સામેલ ૧૮ વર્ષથી ઉપરની વિવિધ વયજૂથના ૪૦૦ લોકો પૈકી ૧૯૫ને લાઈફ સ્ટાઈલ ડિસિઝ હોવાનું અથવા તો તેનું જોખમ હોવાનું સામે આવ્યું હતું.આ પૈકીના ૩૩ ટકા ડાયાબિટિસ, ૨૪ ટકા હાઈ બ્લડ પ્રેશર, ૬ ટકા હૃદયરોગ અને ૯.૮ ટકાને અસ્થામા હતો.

ઊંઘના કલાકો, કસરત અને બીએમઆઈ મહત્ત્વના પરિબળો 

સર્વે કરનારી ટીમે કહ્યું હતું કે, ઊંઘવાના કલાકો અને કસરતને લાઈફ સ્ટાઈલ ડિસિઝ સાથે સીધો સબંધ હોવાનું સામે આવ્યું હતું.રોજ ૩૦ થી ૬૦ મિનિટ કસરત કરનારાઓને આવા રોગોનું જોખમ ઓછું હોવાનું દેખાતું હતું.તેની સાથે સાથે બીએમઆઈ એટલે બોડી માસ ઈન્ડેક્સ પણ મહત્વનો રોલ અદા કરતા હોવાનું જોવા મળ્યું હતું.