Get The App

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે તંગી સર્જાશે

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે તંગી સર્જાશે 1 - image

Vadodara News: વડોદરા શહેરમાં વસતા નાગરિકો માટે આગામી એક મહિનો પાણી વાપરવામાં મુશ્કેલી પડી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, સોમવાર (આઠમી જૂન)થી શહેરમાં તબક્કાવાર પાણીકાપ ઝીંકવામાં આવશે. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ કૂવામાંથી મોટા પ્રમાણમાં ભરાયેલી રેતીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને પગલે અડધા વડોદરામાં પાણીની કટોકટી સર્જાશે.

પંપો રોજ 2 થી 3 કલાક બંધ રહેશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની પ્રક્રિયા દરમિયાન ત્યાં કાર્યરત હેવી પંપને દરરોજ દિવસ દરમિયાન બેથી ત્રણ કલાક સુધી બંધ રાખવાની ફરજ પડશે. આ કારણે આ સ્ત્રોતોમાંથી પાણી મેળવતી ટાંકીઓ અને બુસ્ટર સ્ટેશનો હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પાણીનું દબાણ ઘટશે.

16 મુખ્ય પાણીના સ્ત્રોતો અને ટાંકીઓ પર સીધી અસર થવાની છે 

એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયારનગર બુસ્ટર, વારસિયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પૂનમનગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હીકલપુલ બુસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી તથા લાલબાગ ટાંકી.

ફાજલપુર ફ્રેન્ચવેલ હેઠળના વિસ્તારોમાં પણ આંશિક અસરની શક્યતા

મુખ્ય સ્ત્રોતો ઉપરાંત, કોર્પોરેશને એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ કામગીરીની આડઅસર ફાજલપુર ફ્રેન્ચવેલ પરથી પાણી મેળવતી ટાંકીઓ પર પણ પડી શકે છે. જેથી પરશુરામ બુસ્ટર, જૂનીગઢી બુસ્ટર, વ્હીકલપુલ બુસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, સમા પૂનમનગર ટાંકી, ટીપી-13 ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, નવી ધરતી બુસ્ટર, ફતેપુરા બુસ્ટર, સાધનાનગર બુસ્ટર તથા બકરાવાળી બુસ્ટરમાં પણ આગામી દિવસોમાં પાણી ઓછા પ્રેશરથી અથવા ઓછા સમય માટે મળી શકે છે.

હવામાન આધારિત સમયગાળામાં ફેરફાર થઈ શકે છે, કોર્પોરેશનની અપીલ

મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ આખી કામગીરી ચોમાસા પૂર્વેની તૈયારીના ભાગરૂપે છે. જોકે, આગામી દિવસોમાં હવામાન અને વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે, તેના આધારે આ 30 દિવસના સમયગાળામાં થોડો ફેરફાર અથવા વધ-ઘટ થવાની શક્યતા નકારી શકાય નહીં. તંત્ર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આ દિવસો દરમિયાન પાણીનો બગાડ ન કરવા અને વહીવટી કામગીરીમાં સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.