લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ

- પૈસાની લેતીદેતીની બાબતે મામલો બિચક્યો, ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગરના શખ્સોએ બે યુવકને લઇ જઇને ઢોર મારમારીને હરિયાળા પુલ નીચે ફેંકી દીધા
લીંબાસી પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે અન્ય ગાડીઓમાં આવેલા છથી સાત અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના પર હુમલો કર્યો હતો. કાર ચાલક જીવ બચાવવા માટે ભાગીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો, જ્યારે તેની સાથે કારમાં બેઠેલા અન્ય બે ઈસમોને હુમલાખોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાખોરોએ બે યુવકોને માર મારીને તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ લીંબાસીથી આશરે ૧૫ કિલોમીટર દૂર હરિયાળા પુલ નીચે નાખીને ભાગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર મુખ્ય શખ્સ સુરેન્દ્રનગરના સાયલા ગામનો લાલાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જે ખનીજ સાથે સંકળાયેલો છે. આ સમગ્ર ઘટના પૈસાની લેતીદેતીના મામલે થઈ હોવાનું પોલીસનું માનવું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.









