Gujarat

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત

By GS TEAM
12 Nov 20252 mins read
TukuTouch Logo
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કચ્છના ભુજ શહેરમાં SOG ની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત

3 Suspicious Kashmiris Detained in Bhuj: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઍલર્ટના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કચ્છના ભુજ શહેરમાં SOGની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર SOGની ટીમને મળેલી બાતમીના આધારે ભુજના 'જનતા ઘર ગેસ્ટ હાઉસ' ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી ત્રણ કાશ્મીરી વ્યક્તિઓ મળી આવી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થતો હતો.

પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગેસ્ટ હાઉસના રજિસ્ટરમાં માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી. રૂમ જમ્મુ-કાશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાનના નામે બુક કરવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં ત્રણ લોકો રોકાયેલા હોવા છતાં સંચાલકોએ માત્ર એક જ વ્યક્તિની નોંધણી કરી હતી. આ ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા-પુત્ર જનક ભાટીયા અને વિનય જનક ભાટીયા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટના પડઘા: સમગ્ર ગુજરાત હાઇઍલર્ટ પર, રાજ્યભરમાં ઠેર-ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ

SOG એ તાત્કાલિક અસરથી ત્રણેય કાશ્મીરીઓની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ 1 નવેમ્બરથી આ હોટલમાં રોકાયેલા હતા અને કચ્છમાં દાન માંગવાના હેતુથી આવ્યા હતા. જોકે, દિલ્હી બ્લાસ્ટના ઍલર્ટ વચ્ચે તેમની હાજરી અને ગેસ્ટ હાઉસની એન્ટ્રીમાં ગડબડને કારણે સુરક્ષા એજન્સીઓ કોઈ કચાશ રાખવા માંગતી નથી.

પોલીસે ત્રણેયના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે અને તેને વધુ પરીક્ષણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપ્યા છે. હાલ પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણેય કાશ્મીરીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.