Bhukhli Sathali Village Girl Inspirational Story : અમરેલીના વડીયા તાલુકાનું ભુખલી સાથલી ગામની સાદી-સરળ માટીમાં જન્મેલી સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સંઘર્ષ, શ્રદ્ધા અને મનોબળનું જીવંત પ્રતિક બની ગઈ છે. જન્મના ફક્ત છ મહિનામાં જ આવેલી આંચકીના કારણે સાધનાના શરીર પર ઘણી ઉંડી અસર કરી હતી. આંચકીના કારણે સાધના તેના હાથેથી કોઈ કામ કરી ન શકતી હતી અને મોઢું પણ સ્થિર રહેતું ન હતું. આમ, સાધનાના હાથો નિષ્ફળ થયા છે, પણ પગ તેના જીવનનો આધાર બન્યા છે. ત્યારે ચાલો જાણીએ ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા.
અમરેલીની 'સાધના'નો સંઘર્ષ
વડીયાના ભુખલી સાથલી ગામની 25 વર્ષીય સાધનાને બાળપણમાં આવેલી આંચકીએ તેનું આખું જીવન બદલી નાખ્યું. જેમાં ઈશ્વરે સાધનાના હાથોનો સહારો લીધો, પરંતુ પગોમાં અદમ્ય શક્તિ ભરી દીધી. આજે સાધના પોતાના પગથી કપડાં ધોવવા, વાસણ સાફ કરવા, ચા બનાવવી સહિતના કામ કરે છે. આમ, સાધના પગથી જ ઘરના મોટાભાગના કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમવાર આ દ્રશ્ય નિહાળે છે, ત્યારે આંખો ભીની થઈ જાય છે.
નિયતિએ હાથ છીનવ્યા તો પગથી લખી રહી છે સફળતાની ગાથા, હિંમત જોઈ આંખો ભીની થશે
સાધનાનો પરિવાર આર્થિક રીતે સામાન્ય છે. પિતા બાબુભાઈ અને માતા ઈંટો પાડવાના કામ સાથે જોડાયેલા છે. પરસેવાથી તરબતર દિવસો અને ચિંતા ભરેલી રાતો છતાં તેઓ દીકરી માટે હંમેશા મજબૂત બનીને ઉભા રહ્યા છે. પિતા બાબુભાઈએ 50થી 60 ડૉક્ટરો સુધી દીકરીના ઈલાજ માટે દોડધામ કરી, આશાના દીવા પ્રગટાવ્યા, પણ નસીબે સાથ ન આપ્યો. પિતા કહે છે કે, “સાધના મારી દીકરી નહીં, મારો દીકરો છે.”
પરિવારે જણાવ્યું હતું કે, સરકાર તરફથી ફક્ત 1000 રૂપિયાની વિકલાંગ સહાય મળે છે. અન્ય કોઈ વિશેષ સહાય આજ સુધી પ્રાપ્ત નથી થઈ. છતાં પરિવારના ચહેરા પર ફરિયાદ નહીં પરંતુ સંતોષ અને સ્વીકાર છે.
સાધનાને રામાપીરના ભજનો સાંભળવાનો ખૂબ જ શોખ છે. તેની યાદશક્તિ અદભુત છે, એકવાર જે મળે તેને ક્યારેય ભૂલતી નથી. સાધના, નામ જ સૂચવે છે અવિરત પ્રયત્ન અને ખરેખર આ દીકરીનું આખું જીવન જ એક સાધના છે. જે સમાજમાં ક્યારેક દીકરીને બોજ માનવામાં આવે છે, ત્યાં ભૂખલી સાથલીનો જીકાદરા પરિવાર દીકરીને ગૌરવ માને છે. માતા, પિતા, દાદા, ભાઈ-બહેનો સૌ તેની આસપાસ ઢાલ બની ઉભા છે.
આ ગાથા માત્ર એક પરિવારની નથી. આ મેસેજ છે સમગ્ર સમાજ માટે, દીકરી બોજ નહીં, પણ બળ છે. જો સરકાર અને સમાજ આવી દીકરીઓને યોગ્ય સહાય, સારવાર અને પ્રોત્સાહન આપે, તો અનેક સાધનાઓના જીવનમાં પ્રકાશ ફેલાઈ શકે.


