Get The App

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક 1 - image

વિવિધ ગુનામાં જપ્ત કરેલા વાહનો રાખેલ હતા : 15,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો : ગરમીના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

જૂનાગઢ, : જૂનાગઢ બિલખા રોડ પર  પોલીસ વિભાગના એમટી સેક્શનમાં આજે બપોરે આગ લાગી હતી. આગના કારણે વિવિધ ગુનામાં જપ્ત કરેલા 23 વાહનો ઝપેટમાં આવી  ગયા હતા. ફાયરની ટીમે 15,000  લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શંકાસ્પદ આગની ઘટના અંગે પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢમાં બિલખા રોડ પર પોલીસ વિભાગ હેઠળના એમટી વિભાગમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે. આજે એમટી વિભાગના મેદાનમાં એકાએક આગ  લાગી હતી. ઘાસના કારણે આગ વધુ વકરતા  સ્થળ પર વિવિધ ગુનાઓમાં પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરેલ 2 રીક્ષા ,1 કાર અને 20 મોટર સાયકલ સહિત 23 વાહનો આગની  ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાથી તંત્રમાં દોડધામ થઈ હતી. મહાનગરપાલિકા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી ૧૫ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ  મેળવ્યો હતો. તે સ્થળે આગ લાગી ત્યાં શંકાસ્પદ જવલનનશીલ પદાર્થ મળી આવ્યો નથી જેથી આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ વધુ ગરમીના કારણે આગ લાગી હોવાનું  અનુમાન સેવાઇ રહ્યું છે. પોલીસ વિભાગ હેઠળના એમટી સેકસનમાં અચાનક આગ લાગવાની ઘટનાથી અનેક સવાલો સર્જાયા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી  ફૂટેજ મેળવવા તથા સ્ટાફની પૂછપરછની તજવીજ હાથ ધરી છે. આગામી દિવસોમાં FSL તપાસમાં ઝુકાવે તેવી સંભાવના છે.