હવા પ્રદુષણ રોકવા જાહેરનામા બાદ કોર્પોરેશનની કડક
કાર્યવાહી
એસ્ટેટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઓચિંતી તપાસ કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ઃ ૧૯ને નોટિસ
ગાંધીનગર તેની હરિયાળી માટે જાણીતું હોવા છતાં છેલ્લા
કેટલાક સમયથી અહીં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાં ઉડતી
ધૂળ અને રજકણોનું મુખ્ય કારણ બાંધકામ સાઇટ્સ અને ત્યાં થતી મટીરીયલની ખુલ્લી હેરફેર
હોવાનું જણાતા મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડયું હતું. જે અંતર્ગત રેતી, કપચી, ઈંટો કે અન્ય કોઈ
પણ બાંધકામ સામગ્રી જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે, ત્યારે તેને
તાડપત્રી કે અન્ય રીતે વ્યવસ્થિત ઢાંકવી ફરજિયાત કરવામાં આવી હતી. શહેરના તમામ
બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો
અને ટ્રાન્સપોર્ટ એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તેઓએ આ નિયમોનું
ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો નિર્માણ કાર્ય દરમિયાન સાઇટ પર કે હેરફેર વખતે
ધૂળ ઉડતી જણાશે અથવા મટીરીયલ ખુલ્લું હશે,
તો સીધી જવાબદારી સંબંધિત એજન્સીની રહેશે અને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.
ત્યારે આ જાહેરનામાનું પાલન કરાવવા માટે એસ્ટેટ વિભાગ
દ્વારા ઉત્તર ઝોનના રાધેજા અને પેથાપુર,
મધ્ય ઝોનના ધોળાકુવા તેમજ દક્ષિણ ઝોનમાં પીડીપીયુ રોડ ઉપર તપાસ કરવામાં આવી
હતી. જેમાં ઘણા વાહનચાલકો બાંધકામને સંલગ્ન સામગ્રીની હેરફેર ખુલ્લી રીતે કરી
રહ્યા હતા, જેના
કારણે ધૂળની ડમરીઓ ઉડતી હતી અને જાહેર આરોગ્ય જોખમાતું હતું. પર્યાવરણને નુકસાન
પહોંચાડતા ૧૯ વાહન માલિકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જે વાહનોની
ટ્રોલી પર ગ્રીન નેટ બાંધવામાં આવી ન હતી,
તેવા ૨૩ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ ૨,૩૦ લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નિયમોનું
ઉલ્લંઘન કરનાર કોઈ પણ એજન્સી કે વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં તેવી કડક ચેતવણી
તંત્ર દ્વારા આપવામાં આવી છે.


