Gujarat

રાજકોટના 2 વેપારીઓની 550 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં ધરપકડ

By GS TEAM
28 Feb 20262 mins read
રાજકોટના 2 વેપારીઓની 550 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં ધરપકડ

દોઢ વર્ષમાં 23 પેઢીઓ ખોલીને 102.25 કરોડની ખોટી આઈટીસી મેળવી હતી બોગસ ઈન્વોઈસ તૈયાર કરવામાં જીએસટીના અધિકારીઓ સાથે પણ  જબરૂ સેટીંગઃ ડિજિટલ ડિવાઈસ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી

રાજકોટ, : વેપારીઓ દ્વારા માલ મોકલ્યા વિના માત્ર બિલ બનાવીને ખોટી આઈટીસી મેળવી લેવાના વધુ એક ચકચારી પ્રકરણમાં રાજકોટના બે વેપારીઓની અમદાવાદ સ્થિત ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બે વેપારીઓએ 23 બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. 550 કરોડનું બોગસ બિલીંગ આચરી રૂ. 102.25 કરોડની ખોટી આઈટીસી મેળવી હોવાનો ઘટસ્ફોટ થતા અધિકારીઓ દ્વારા આ બન્ને વેપારીઓના બોગસ બિલો કોમ્પ્યુટર સહિત ડિજિટલ ડીવાઈસની સામગ્રીને પણ જપ્ત કરવામાં આવી છે. 

અમદાવાદ સ્થિત ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ  વિભાગની તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ રાજકોટમાં ભાડાની ઓફિસ ખોલીને છેલ્લા દોઢ વર્ષથી જતીન સાકરિયા અને વૈભવ બોરિચા નામના વેપારીએ વેપારીઓને માલ મોકલ્યા વિના માત્ર ખોટા બિલો જુદી-જુદી 14 પેઢીઓના નામે બનાવ્યા હતા. સુપર કોન ટ્રેડ પ્રાઈવેટ લીમીટેડ, એન.એમ્પી કોન્ટ્રક્ટર પ્રાઈવેટ લીમીટેડ સહિતના  અન્ય નામોથી પેઢી ખોલીને બોગસ નાણાંકિય વ્યવહારો ચાલતા હોવાનું તપાસનીશ અધિકારીઓના ધ્યાનમાં આવતા રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આંગડિયા પેઢી દ્વારા નાણાંની મોટી રકમની હેરફેર કરવામાં આવી હોવાનું જણાતા તપાસનીશ અધિકારીઓે આંગડીયા પેઢીમાં પણ સઘન તપાસ હાથ ધરી હતી. 

સમગ્ર પ્રકરણની તપાસમાં કયાંક જીએસટી વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાની શંકા છે.  રાજકોટના વેપારીઓના નાણાંકીય વ્યવહારોની ચકાસણી માટે ફિઝીકલ અને ડિજીટલ ડેટા કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.