Gujarat

ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2 વ્યક્તિના મોત

By GS TEAM
16 Sep 20252 mins read
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2 વ્યક્તિના મોત

- ધોલેરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આરંભી

- વૃધ્ધ સહિત બે લોકો બાઈક પર આંબલી ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ધંધુકા : ધોલેરા એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. પ્રથમ એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીને ઇજા થઈ હતી. જ્યારે એક્સપ્રેસ હાઈ-વે પર આવેલ આંબલી ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક પર જઇ રહેલા વૃધ્ધ સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.

ધોલેરા એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો આજે પણ યથાવતા રહેતા ઉપર છાપરી બે અકસ્માતો સર્જાયા હતા. આજે સવારના સમયે ધોલેરા એક્સપ્રેસ હાઈ-વે પર આવેલા આંબલી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ અકસ્માતની વિગત એવી છે કે, ધોળકાના સરગાળા ગામે રહેતા ભગવાનભાઈ શંકરભાઈ સોલંકી (ઉ.વ.૬૫) અને રમેશભાઈ જેરામભાઈ મકાબરીયા (ઉ.વ.૫૪) પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૩૮-એબી-૩૦૧૭ લઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આંબલી ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૦૪-સીઆર-૪૪૦૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા વૃદ્ધ સહિત બન્ને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બન્નેના સ્થળ પરજ મોત નીપજ્યા હતા. આ ઘટના જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ સુરેશભાઈએ કાર ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.