Get The App

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા 1 - image

એક તરફ વૃક્ષારોપણ તો બીજી તરફ વન કર્મીનું પરાક્રમ ચર્ચાએ

સસ્પેન્ડેડ ફોરેસ્ટર અને બીટ ગાર્ડની વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત બાદ જેલ હવાલે કરાયા ઃ તપાસ શરૃ

ભાવનગર,-  ભાવનગર જિલ્લાની પાલિતાણા સ્થિત રાજસ્થળી વીડી જે અનામત કેટેગરીમાં આવે છે જેમાં વીડી સુધારણઆના ઓઠા હેઠળ સ્થાનિક ફોરેસ્ટર અને બીટ ગાર્ડના દોરી સંચાર હેઠે છેલ્લા ચારેક સપ્તાહમાં ૧૬૯૦ વૃક્ષોનું કટીંગ કરી મહુવા ડીહાઇડ્રેશન પ્લાન્ટમાં શીફ્ટ કરતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વન્ય સંરક્ષણની વિવિધ કલમ હેઠલ ગુનો નોંધી અટકાયત કરી બન્નેને આજે કોર્ટમાં હાજર કર્યાં હતાં અને જેલ હવાલે કર્યાં હોવાનું જણાયું છે.

મળતી વિગતો મુજબ અનામત જંગલ વિસ્તાર એટલે કે વીડીમાં ઘાસ ઉગાડવાનો પ્રોજેક્ટ વન વિભાગ કરતું હોય છે. જે ચોમાસા પૂર્વે કામગીરી થતી હોય પાલિતાણાની રાજસ્થળી વીડી વિસ્તારમાં વીડી સુધારણાની મૌખીક સૂચના મળ્યા બાદ સ્થાનિક ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભી દ્વારા માત્ર ઝાડી ઝાંખરા સાફ કરવાના બદલે ૨૩ સેન્ટીમીટરથી વધુ ઘેરાવ વાળા વૃક્ષોનું કટીંગ પર રોક હોય અથવા પૂર્વ મંજુરી સાથે કટીંગ કરવાનું હોય પરંતુ આર્થિક ઉપાર્જનના હેતુ સાથે આ બન્ને કર્મચારીઓ દ્વારા છેલ્લા ચાર સપ્તાહથી તબક્કાવાર ૧૬૯૦ જેટલા બાવળ, ગુગળ, લીમડો, બોર્ડી વગેરે સ્થાનિક વૃક્ષોનું ગેરકાયદે મજુરો બોલાવી કટીંગ કરી ટ્રક મારફતે હેરફેર શરૃ કરાઇ હતી. જો કે, ગઇ તા.૯ મેના રોજ આ લાકડા ભરેલ ટ્રક અટકાવી તપાસ કરતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું અને ચાર દિવસ પૂર્વે જ તંત્ર દ્વારા બન્નેને સસ્પેન્ડ કરાયા હતાં. બાદમાં ભારતીય વન્ય અધિનિયમની કલમ ૨૬, ૪૧, ૫૨, ૬૩ અને ૭૫ અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની જોગવાઇઓ હેઠળ બન્ને કર્મી વિરૃદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે આ બન્નેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યાં બાદ જેલ હવાલે કર્યાં હોવાનું એસીએફએ જણાવ્યું હતું. આમ એક તરફ ગ્લોબલ વોર્મીંગ અને પર્યાવરણ સંતુલન જાળવવા વૃક્ષારોપણનું મહાઅભિયાન ચલાવાય રહ્યું છે ત્યારે બીજી બાજુ વન વિભાગના જ કર્મચારીઓ માંડ માંડ ઉજરેલા વૃક્ષોનું કટીંગ કરી વેપલો કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ વૃક્ષોના લાકડા મહુવા ડીહાઇડ્રેશન પ્લાન્ટમાં મોકલાતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ખાતાકીય તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

કપાયેલ લાકડા મહુવા ડીહાઇડ્રેશન પ્લાન્ટમાં ટ્રક મારફત લઇ જવાતા હતાં

વન વિભાગે ચાર માસ પૂર્વે પણ આ કર્મીને નોટિસ આપી હતી

વૃક્ષોનું કટીંગ અને તે પણ પૂર્વ મંજુરી વગર કરવાનું આ ષડયંત્ર બહાર આવ્યું છે જેમાં ફોરેસ્ટર કરશન ગોહિલને આ અગાઉ પણ વૃક્ષ કાપવા સબબ ચાર માસ પૂર્વે વન વિભાગને જાણ થતા નોટિસ આપી ચેતવણી આપી હતી. પરંતુ આ ગેરકાયદે કાર્ય શરૃ રખાતા અને મોટાપાયે લાકડાનો વેપલો થતા ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

વૃક્ષ છેદનથી જંગલી પશુઓ માટે આશ્રય સ્થાનો દૂર થયા

જંગલી પશુઓ માટે વૃક્ષનો છાયડો જ તેનું ઘર હોય છે. પાલિતાણા પંથકમાં મોટી સંખ્યામાં સિંહ પરિવાર વસવાટ કરી રહ્યો છે. સાથો સાથ નિલગાય, રોઝ, દીપડા વગેરે પ્રાણીઓનું પણ આ જંગલ વિસ્તાર આશ્રય સ્થાન છે. જ્યારે વીડીના ૧૬૯૦ જેટલા પરીપક્વ વૃક્ષ કપાયા છે. ત્યારે પશુઓના જીવન નિર્વાહ પર પણ અસર થવાની સંભાવના છે.