- કપડવંજમાં સ્ટેટ વિજિલન્સના દરોડા
- રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો
કપડવંજ : રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા કપડવંજ ટાઉન પોલીસની હદમાં કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. મહંમદપુરા પાસે સંગમ પુલ નજીકથી ૮ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા કપડવંજ ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગર વિજિલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે કપડવંજ-નડિયાદ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ વેગનઆર કારને આંતરીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧,૪૭૦ બોટલ ઝડપાઈ હતી. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને નડિયાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિતનો રૂપિયા ૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ તાલુકામાં ટૂંકા ગાળામાં વિજિલન્સ દ્વારા આ બીજી મોટી રેઇડ છે. અગાઉ ફુલજીના મુવાડા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો અને હવે ટાઉન પોલીસની નાક નીચેથી લાખોનો દારૂ પસાર થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.


