વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૬.૪૪ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું પણ આ પૈકી નોટાનો ઉપયોગ માત્ર ૧૪૬૪૨ લોકોએ જ કર્યો છે.
ચૂંટણી પંચ દ્વારા લોકોને કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો નન ઓફ ધ એબોવ( નોટા)ના વિકલ્પને પણ મત આપી શકે છે.આ વખતે વડોદરા શહેરમાં ચારે તરફ ખોદકામ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે લોકોમાં રોષની લાગણી હતી.આવા સંજોગોમાં નોટાનું બટન દબાવનારા મતદારોની સંખ્યા વધી જતી હોય છે.
જોકે વડોદરાવાસીઓએ નોટાને અપેક્ષા કરતા ઓછા મત આપ્યા છે.નોટા પર સૌથી વધારે બટન વોર્ડ નંબર ૧૧ના મતદારોએ દબાવ્યું હતું.આ વોર્ડના ૧૦૪૬ મતદારોએ નોટાને મત આપ્યો હતો.જ્યારે નોટાના વિકલ્પને સૌથી ઓછો વોર્ડ નંબર ૧૩ના મતદારોએ પસંદ કર્યો હતો.અહીંયા ૪૬૩ મતદારોએ નોટા માટે મતદાન કર્યું હતું.
યોગાનુયોગ વોર્ડ ૧માં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત ૩૧ મતથી હારી ગયા છે .અહીંયા નોટાને ૫૪૮ મત મળ્યા છે.આમ અહીંયા નોટાના મતોએ હાર જીતમાં ભાગ ભજવ્યો છે.
કયા વોર્ડમાં નોટાને કેટલા મત
વોર્ડ મત
૧ ૫૪૮
૨ ૭૪૬
૩ ૮૬૯
૪ ૯૧૯
૫ ૯૧૫
૮ ૬૯૧
૭ ૬૩૧
૮ ૬૭૦
૯ ૮૬૬
૧૦ ૯૩૯
૧૧ ૧૦૪૬
૧૨ ૯૯૭
૧૩ ૪૬૩
૧૪ ૫૫૩
૧૫ ૭૧૨
૧૬ ૬૬૨
૧૭ ૮૫૬
૧૮ ૭૮૦
૧૯ ૭૬૧
સરકારી કર્મચારીઓએ પણ મતદાનમાં છબરડા વાળ્યા, ૧૩૬ મત રદ
ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.જોકે આ કર્મચારીઓએ પણ મત આપવામાં ભૂલ કરી છે અને તેના કારણે પોસ્ટલ બેલેટના ૧૩૬ મતને અમાન્ય ઠેરવ્યા છે.જોકે વોર્ડ નંબર ૧,૨,૩, ૧૩,૧૪,૧૫ એમ ૬ વોર્ડ એવા છે જેમાં એક પણ પોસ્ટલ બેલેટ રદ થયો નથી.આ સિવાય સૌથી વધારે ૨૭ પોસ્ટલ બેલેટ વોર્ડ નંબર પાંચમા રદ થયા છે.


