Gujarat

ગાંધીનગરના જુના સેક્ટરોમાંથી ટાઇફોઇડના વધુ ૧૩ કેસ મળ્યા

By GS TEAM
10 Jan 20262 mins read
ગાંધીનગરના જુના સેક્ટરોમાંથી ટાઇફોઇડના વધુ ૧૩ કેસ મળ્યા

પાણીનું સુપર ક્લોરિનેશન કરીને વિતરણ

૧૫ દર્દીઓને રજા અપાઇ ઃ કોર્પોરેશનની ટીમ દ્વારા સર્વેસન્સ સઘન બનાવાયું ઃ નવા મળેલા પાંચ લીકેજ રીપેર કરી દેવાયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે દરરોજ ટાઇફોઇડના કેસમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. ગઇકાલે ૧૫ પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે ચઢ્યા બાદ આજે વધુ ૧૩ કેસ નોંધાયા છે. તો ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓને સિવિલમાંથી રજા આપી હોવાની પણ સુખદ બાબત સામે આવી રહી છે. છેલ્લા એક દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારમાં મળી આવેલા પાંચ લીકેજ શોધીને તેને રીપેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરના જુના સેક્ટરો ખાસ કરીને સેક્ટર-૨૪,૨૫,૨૬,૨૭,૨૮-આદિવાડા, જીઆઇડીસીના વિસ્તારમાં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે.રોગચાળો ફેલાયાને ૧૦ દિવસથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતા ટાઇફોઇડના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે ૧૫ પોઝિટિવ કેસ કોર્પોરેશનના ચોપડે ચઢ્યા બાદ આજે વધુ ૧૩ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. તો બીજીબાજુ જુના ૧૫ દર્દીઓને સારુ થઇ જતા તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. હાલ કોર્પોરેશનની યાદી પ્રમાણે ૭૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તો બીજીબીજુ આ રોગચાળામાં વધુ લોકો સપડાય નહીં તે માટે પાણીનું સુપર ક્લોરિનેશન કરીને જ વિતરણ કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે જે માટે સેક્ટરના જુદા જુદા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઇને તેમાં ક્લોરિનેશનની માત્રાનું પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એક ખાસ ટીમ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ શોધવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નાના મોટા લીકેજ લાઇનમાં મળી આવતા તેને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યા છે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ સઘન બનાવવામાં આવી છે.