Gujarat

ધો.12ની વિદ્યાર્થીનીનું અપહરણ કરી સંબંધ માટે દબાણ કરી હાથ-ગળે ચપ્પુથી ઘસરકા પાડયા

By GS TEAM
8 Oct 20253 mins read
ધો.12ની વિદ્યાર્થીનીનું અપહરણ કરી સંબંધ માટે દબાણ કરી હાથ-ગળે ચપ્પુથી ઘસરકા પાડયા

- કાપોદ્રા વિસ્તારમાં ટીનએજરની કરતૂત 


- 16 વર્ષની તરુણીને રત્નકલાકાર ચેતન ઉર્ફે કાનાએ પ્રેમજાળમાં ફસાવી હતી, માતાપિતાએ ઠપકો આપતા તરુણીએ વાત કરવાનું બંધ કર્યું હતું 


સુરત, :  સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા નોકરીયાત દંપતીની ધો.12 માં અભ્યાસ કરતી 16 વર્ષની દીકરી ગત સવારે પરીક્ષા આપી ઘરે જતી હતી ત્યારે તેનું બાઈક ઉપર અપહરણ કરી મેલડી માતાના મંદિર પાસે લઈ જઈ લબરમુછીયા રત્નકલાકારે સંબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપી હાથ અને ગળામાં ચપ્પુ વડે ઘસરકા પાડયા હતા.બાદમાં તરુણીને તે ઘર નજીક મૂકીને ચાલ્યો જતા તરુણીએ માતાને જાણ કરતા તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ અમરેલીના લબરમુછીયા રત્નકલાકારને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા નોકરીયાત દંપતીની 16 વર્ષીય દીકરી કાવ્યા ( નામ બદલ્યું છે ) ધો.12 માં અભ્યાસ કરે છે.હાલ કાવ્યાની પરીક્ષા ચાલતી હોય તે ગત સવારે સ્કુલે ગયા બાદ પરીક્ષા આપી 11.30 વાગ્યે ઘરે પરત ફરતી હતી ત્યારે રચના સર્કલ પાસે તેની સ્કુલની પાછળ રામકૃપા સોસાયટીમાં રહેતો ચેતન ઉર્ફે કાનો રમેશભાઇ હડેતરા તેના મિત્ર સાથે બાઈક લઈને આવ્યો હતો અને કાવ્યાને મારે તારૂ પર્સનલ કામ છે. મારી સાથે આવ તેમ કહેતા કાવ્યાએ ના પાડતા ચેતન ઉર્ફે કાનાએ મારે તારૂ કામ છે, એક વખત મારી સાથે આવ તેવું ફરી કહેતા તે બંને સાથે બાઈક પર બેસી ગઈ હતી.ચેતન ઉર્ફે કાનો બાઈક નહેરવાળા મેલડી માતાના મંદીર પાસે લઇ ગયો હતો.ત્યાં તેનો મિત્ર ઉતરી જતા ચેતન ઉર્ફે કાનો કાવ્યાને સામે રોડની અંદર વાડીઓ બહાર લઇ ગયો હતો.ત્યાં ચેતન ઉર્ફે કાનાએ કાવ્યાને મારી સાથે સબંધ રાખવાનો છે કે નહીં તેમ પુછતા ના પાડી મારે કઇ રાખવાનુ નથી તુ મને ઘરે મૂકી જા તેમ કહેતા ચેતન ઉર્ફે કાનો ઉશ્કેરાઇ ગયો હતો અને તો તને મારી નાખીશ તેવી ધમકી આપી ચપ્પુ કાઢી કાવ્યાના જમણા હાથના કાંડે અને ગળાના ભાગે ઘસરકા કર્યા હતા.તેને લીધે કાવ્યા ગભરાઈ ગઈ હતી અને મારી નાખ તારું જ નામ આવશે તેમ કહી રસ્તા વચ્ચે બેસી જતા ચેતન ઉર્ફે કાનો તેને બાઈક ઉપર રચના સર્કલ મૂકી ગયો હતો.કાવ્યા ત્યાંથી ચાલતી ચાલતી બપોરે અઢી વાગ્યે ઘરે પહોંચી હતી.પણ તેની માતા તે સ્કુલેથી આવી ન હોય તેને શોધવા નીકળી હતી.આથી ઘરે કોઈ નહીં હોય કાવ્યાએ નાકે જઈ એક દુકાનદાર પાસે ફોન લઈ માતાને ફોન કરી ઘરે બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી.



ચેતન ઉર્ફે કાનાએ કાવ્યાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તે ચેતન ઉર્ફે કાનો સાથે વાત કરતી હતી ત્યારે તેના માતાપિતાને જાણ થતા તેમણે ઠપકો આપતા કાવ્યાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું.આથી ચેતન ઉર્ફે કાનો તેનું અપહરણ કરી લઈ ગયો હતો.બનાવ અંગે કાવ્યાની માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ચેતન ઉર્ફે કાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં રત્નકલાકાર તરીકે કામ કરતા 19 વર્ષીય ચેતન ઉર્ફે કાનો રમેશભાઇ હડેતરા ( ઉ.વ.19, રહે.ઘર નં.18, પહેલો માળ, શેરી નં.1, રામકૃપા સોસાયટી, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત. મૂળ રહે.ભાયાવદર, તા.ધારી, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી.વધુ તપાસ સેકન્ડ પીઆઇ એમ.આર.સોલંકી કરી રહ્યા છે.