Get The App

કાલાવડના પીપર ગામના શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ચાર-પાંચ કુતરાઓએ ફાડી ખાતાં ભારે અરેરાટી

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડના પીપર ગામના શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ચાર-પાંચ કુતરાઓએ ફાડી ખાતાં ભારે અરેરાટી 1 - image

Jamnagar Dog Bite : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે રઝળતા કુતરાઓએ 11 વર્ષની શ્રમિક પરિવારની એક બાળકીને ફાડી ખાતાં બાળકીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંકની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતિય શ્રમિકની 11 વર્ષની પુત્રી રાજલબેન, કે જે પોતાની વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી, દરમિયાન રસ્તામાં ચાર પાંચ રસ્તે રઝળતા કુતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બટકા ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી, અને તેણીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

 આ બનાવ અંગે બાળકીના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.