Get The App

હોળી-ધૂળેટીમાં '108' સેવાનો માસ્ટર પ્લાન, તહેવારમાં ઈમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
હોળી-ધૂળેટીમાં '108' સેવાનો માસ્ટર પ્લાન, તહેવારમાં ઈમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા 1 - image


108 EMS Prepares Action Plan: ગુજરાતમાં હોળી અને ધૂળેટીના આગામી તહેવારો દરમિયાન ઈમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને લીધે 108 EMS દ્વારા રાજ્યવ્યાપી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભૂતકાળના ડેટા અને વર્તમાન શક્યતા અનુસાર, સામાન્ય દિવસોમાં નોંધાતા સરેરાશ 4,679 કેસોની સરખામણીએ હોળી (2-3 માર્ચ) દરમિયાન કેસોમાં 12.31 ટકા અને ધૂળેટી(4 માર્ચ)ના રોજ કેસોમાં 44.13 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે હોળીની ઉજવણી બે દિવસ લંબાઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા તે મુજબનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ધૂળેટીના દિવસે કેસોમાં 44%ના ઉછાળાની શક્યતા

અધિકારીએ જણાવ્યાનુસાર,તહેવાર દરમિયાન ઈમર્જન્સી કેસોના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો, ધૂળેટીના દિવસે સૌથી વધુ જોખમ જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોના 631 કેસની સામે ધૂળેટીએ માર્ગ અકસ્માતના કેસોમાં 127.89%નો વધારો થઈને 1,438 કેસ નોંધાઈ શકે છે. તેવી જ રીતે, શારીરિક મારામારીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક 401%નો વધારો થવાની આગાહી છે. આણંદ, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસોમાં 20%થી વધુનો ઉછાળો જોવા મળી શકે છે. બિન-વાહન અકસ્માતોમાં પણ ધૂળેટીના દિવસે 164.76% જેટલા વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ

આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108-EMS દ્વારા રાજ્યભરમાં 1,493 એમ્બ્યુલન્સને સંપૂર્ણ કાર્યરત રાખવામાં આવી છે. હૉસ્પિટલોમાં વધારાના સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.