Get The App

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ 1 - image

Jamnagar : જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીતનો કિસ્સો સામે આવ્યો છે, અને એક પરિણીત યુવતીને તેણીના 10 વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક હાથ પકડી પરિણીતાને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધમકી આપવાની અને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની, અને પોતે પણ મરી જવાની ધમકી આપી હોવાથી મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં પોતાના માતા પિતાને ઘેર પતિ સાથે આંટો દેવા માટે આવેલી એક પરિણિત યુવતિએ પોતાના પૂર્વ પ્રેમી એવા કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના વતની જુનેદ જુસબ ખેરાણી સામે પોતાનું બાવડું પકડી પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામનો વતની છે, અને પરણિત યુવતી સાથે આજથી દસ વર્ષ પહેલા આરોપી પ્રેમ સંબંધ ધરાવતો હતો. પરંતુ ફરિયાદી યુવતીએ કચ્છ જિલ્લાના આદિપુરના એક યુવાન સાથે લગ્ન કરી લીધા હતા, અને જે લગ્નમાં થકી હાલ આઠ વર્ષનું એક સંતાન પણ છે, અને તેણી કચ્છમાં પતિ સાથે રહે છે.

 દરમિયાન ગઈકાલે પોતાના પતિ અને બાળક સાથે જામનગરના પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા પોતાના માતા પિતાને ઘેર આંટો દેવા માટે આવી હતી, જ્યાં ઉપરોક્ત આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને હાથ પકડી લઈ પોતાની સાથે લગ્ન નહીં કરે તો તને મારી નાખીશ, અને હું પણ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હોવાથી આ પોલીસ ફરિયાદ કરી છે. જે બનાવ સંબંધે સિટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.