પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુસેન-તરસાલી રિંગ રોડ પર રહેતા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર સાથે સાયબર ઠગોએ પેન્શન લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને વોટ્સએપ સ્ક્રીન શેરિંગ દ્વારા બે બેંક ખાતામાંથી રૂ.10 લાખ ઉપાડી લીધા છે. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે આ મામલે ગુનો નોંધ્યો છે.
સુસેન-તરસાલી રિંગ રોડ નિવાસી 65 વર્ષીય પરેશ નરહરીપ્રસાદ પંડ્યા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર છે અને BOBની શાખામાં એક સેવિંગ અને એક સેલેરી એમ બે ખાતા ધરાવે છે. ગત 8 નવેમ્બર 2025ના રોજ તેઓએ પેન્શન લાઈફ સર્ટિફિકેટ માટે BOBની વેબસાઈટ પર જરૂરી ડેટા અપલોડ કર્યો હતો.
ત્યારપછી એક અજાણી વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, સર્ટિફિકેટ વેરિફિકેશન માટે વોટ્સએપ પર વીડિયો કોલ આવશે. વીડિયો કોલ પર સ્ક્રીન શેર કરાવી એક ફોર્મ ભરાવ્યું. ત્યારબાદ "આ તમારું સર્ટિફિકેટ છે" એમ કહી એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને "સર્વર ડાઉન છે" તેવું બહાનું આગળ ધરી 38 મિનિટ સુધી સ્ક્રીન શેર ચાલુ રાખ્યું હતું.
આ દરમિયાન પરેશભાઈની પત્નીએ ફ્રોડ હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરતાં તેઓએ તરત જ કોલ ડિસ્કનેક્ટ કર્યો અને તમામ બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા, પાસવર્ડ બદલ્યા તથા ડેબિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ સહિતની તમામ ડિજિટલ સુવિધાઓ બંધ કરાવી. પરંતુ ત્યાં સુધીમાં ઠગો બંને ખાતામાંથી રૂ. 5-5 લાખ મળી કુલ રૂ. 10 લાખ ટ્રાન્સફર કરી ચૂક્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે મોબાઈલ નંબર ધારક, બેંક ખાતાધારક, APK ફાઈલ મોકલનાર તથા ગુનામાં સંડોવાયેલ તમામ શખ્સો સામે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ તથા છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.








