Gir Somnath

ગીર-ગિરનારમાં અભૂતપૂર્વ જળસંકટની સ્થિતિ, 650 કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાનું શરૂ

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
ગીર અને ગિરનારના જંગલોમાં અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ સર્જાયું છે. વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા શરૂ કરી છે. સામાન્ય રીતે માર્ચમાં શરૂ થતી આ કામગીરી આ વખતે ઓક્ટોબરના અંતથી જ શરૂ કરવી પડી છે. 650થી વધુ કૃત્રિમ પોઇન્ટ્સમાં સોલાર પંપ, પવનચક્કી અને ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 150થી વધુ જૂના પોઇન્ટ્સ પણ કાર્યરત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર-ગિરનારમાં અભૂતપૂર્વ જળસંકટની સ્થિતિ, 650 કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાનું શરૂ

Gir Girnar Water Crisis : ગીર અને ગિરનારનાં જંગલોમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. જંગલનાં કુદરતી જળસ્રોતો, નદીઓ, નાળા અને ચેકડેમ સમય કરતાં વહેલા સૂકાઈ જતાં વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા શરૂ કરી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં શરૂ થતી કૃત્રિમ પાણીના પોઇન્ટ્સ ભરવાની કામગીરી આ વખતે ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી જ શરૂ કરવી પડી છે.

માર્ચમાં કરવાની કામગીરી અત્યારથી શરૂ થઇ

વન્યજીવોને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવું ન પડે તે માટે વન વિભાગે ગીર અને ગિરનારમાં આવેલા 650થી વધુ કૃત્રિમ પોઇન્ટ્સમાંથી મોટાભાગના પોઇન્ટ્સમાં પાણી ભરવાનું શરૂ કર્યું છે. દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે સોલાર આધારિત ઓટોમેટિક પંપ, પવનચક્કી અને ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સોલાર પંપ સૂર્યપ્રકાશની મદદથી પાણીનો પુરવઠો પૂરો પાડે છે, જ્યારે પવનચક્કી પવનની ઊર્જાથી પાણી ખેંચે છે. જ્યાં આ વ્યવસ્થાઓ પહોંચતી નથી ત્યાં ટ્રેક્ટર અને શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે.

150થી વધુ જૂના પોઇન્ટ્સ ફરી કાર્યરત કરાશે

જળસંકટને ધ્યાનમાં રાખીને વન વિભાગે જૂના પાણીના પોઇન્ટ્સને ફરી કાર્યરત કરવા અને નવા પોઇન્ટ્સ બનાવવા માટે સર્વે શરૂ કર્યો છે. ગીરના જંગલમાં અગાઉ બનાવવામાં આવેલા 150થી વધુ પોઇન્ટ્સને પુનઃજીવિત કરવાની તૈયારી ચાલી રહી છે. વન્યજીવોની અવરજવર અને તળાવોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે નવા પોઇન્ટ્સ ક્યાં બનાવવા તે નક્કી કરવામાં આવશે. બીજી તરફ, ગિરનારના પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં પણ પાણીની અછતની શક્યતાને પગલે આશરે 20 નવા પાણીના પોઇન્ટ્સ તાત્કાલિક તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શિયાળા અને ઉનાળામાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે આયોજન

રાજાશાહીના સમયથી અત્યાર સુધી ગીરના જંગલમાં આટલી ગંભીર જળઅછત ભાગ્યે જ જોવા મળી હોવાનું જણાવાયું છે. એશિયાટિક સિંહ, દીપડા, ચિત્તલ, સાબર, ચોસિંગા સહિતના વન્યજીવો અને પક્ષીઓને આગામી શિયાળા તથા ઉનાળા દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગ સતર્ક બન્યું છે. અત્યાર સુધી સામાન્ય સ્થિતિમાં ગીરમાં આશરે 600 અને ગિરનારમાં 50થી 60 કૃત્રિમ પાણીના પોઇન્ટ્સ કાર્યરત રાખવામાં આવતા હતા. જોકે, આ વખતે વરસાદની અછતને કારણે પાણીની વ્યવસ્થામાં ફેરફાર કરીને વધુ પોઇન્ટ્સ કાર્યરત કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.