Gujarat

3 સગીરાને બાઈક પર ઉઠાવી જતા 2 શખ્સો, 1 સાથે અડપલાં

By GS Team
23 Oct 20192 mins read
This article was originally published on 23 Oct 2019
3 સગીરાને બાઈક પર ઉઠાવી જતા 2 શખ્સો, 1 સાથે અડપલાં

કોડીનાર, તા. 23 ઓક્ટોબર 2019, બુધવાર

કોડીનાર તાલુકાના એક ગામમાં બસ સ્ટેન્ડમાંથી આલીદર ગામના ભગીરથ બારડ અને ગોપાલ  ઝાલા નામના બે શખ્સો ૩ સગીરાને બોડીદર મૂકી જવાના બહાને બાઈક પર અપહરણ કરીને કાણકિયા ગામની સીમમાં લઈ ગયા હતા. જ્યાં ૧૩ વર્ષની સગીરા સાથે ભગીરથે હવસખોરી આચરવાના ઇરાદે શરમજનક હરકત કર્યાની ઘટના સામે આવી હતી. 

કોડીનાર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ગત તા.૨૭/૯ના રોજ સાંજ ે  સગીર વયની બાળા તેની બે પિતરાઈ બહેન સાથે ગામના ઝાંપે ઊભી હતી. એ વખતે ભગીરથ અને તેનો સાગરિત ગોપાલ બાઈક પર ત્યાં પહોંચ્યા હતા. ત્રણેય સગીરાને એકલી જોઈને બેયની હવસનો કીડો સળવળ્યો હતો. બેય શખ્સે એમને પૂછ્યું કે, 'અહીંયાં કેમ ઊભી છો?' છોકરીઓએ જવાબ આપ્યો, 'અમારે બોડીદર ગામ જવું છે.' બેય શખ્સે 'અમે બોડીદર જઈએ છીએ, બાઈકમાં બેસી જાવ.' એમ કહી લિફ્ટ આપી. 

ત્રણેય બાળકી તેમના બાઈક પર બેસી ગઈ. બાદમાં બન્ને શખ્સે બોડીદર જવાના બદલે બાઈક કણકિયા ગામની સીમમાં હંકારી મૂક્યું. 'અમારે બોડીદર જવાનું છે, તમે કણકિયા કેમ જાવ છો?' એવો સવાલ  ત્રણેય સગીરાએ ઉઠાવતાં બેય શખ્સે બાઈક ઊભું રાખી દીધું. ભગીરથ ૧૩ વર્ષની સગીરા સાથે અશ્લીલ હરકત કરવા લાગતાં તે બૂમાબૂમ કરવા લાગી. એની બેય નાની પિતરાઈ બહેન ભાગી ગઈ. આ ઘટનાની જાણ થતાં આસપાસની વાડીમાંથી લોકો દોડી આવ્યા એટલે બેય હવસખોર નાસી છૂટયા હતા. લોકોએ સગીરાના ભાઈને ફોન કરીને બોલાવી લીધો હતો. 

આબરૂ જવાની બીકે એ વખતે ફરિયાદ કરી નહોતી.  ગામના સરપંચે  સમાધાન કરાવ્યું હતું. પરંતુ બેય શખ્સો સગીરાના ઘરે જઈને ગામ મૂકવું પડશે કહીને વારંવાર ખૂનની ધમકી આપતા હતા. છેવટે સગીરાના માતાની ફરિયાદ આધારે કોડીનાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.