Gir Somnath

ગીર સોમનાથ: તાલાલા-સાસણમાં કેમ વારંવાર આવે છે ભૂકંપ? જમીનમાં પાણી ઉતરતાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ વધ્યું!

By GS Team
25 Oct 20262 mins read
TukuTouch Logo
ગીર સોમનાથના તાલાલા-સાસણ પંથકમાં 2.9ની તીવ્રતા સહિત 5 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, આ વિસ્તાર ગિરનાર ફોલ્ટલાઈન પર આવેલો છે. ચોમાસામાં વરસાદી પાણી અને ડેમનું પાણી જમીનમાં 20 કિ.મી. ઊંડે ઉતરતા ધરતીના પોપડાની તિરાડોમાં દબાણ વધે છે, જે ભૂકંપનું કારણ બને છે. નજીકમાં કમલેશ્વર, હિરણ-2 અને માલણકા ડેમ પણ આવેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથ: તાલાલા-સાસણમાં કેમ વારંવાર આવે છે ભૂકંપ? જમીનમાં પાણી ઉતરતાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ વધ્યું!

Gir Somnath Talala Sasan Swarm Earthquake: ગીરનો તાલાલા, સાસણ વિસ્તાર પૂર્વ-ઉત્તર-પૂર્વથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમની ગિરનાર ફોલ્ટલાઇન અને તેની નજીકમાં જ નર્મદા અને અરવલ્લી ટ્રેન્ડના ફોલ્ટ્સ ઉપર વસેલો છે. ગુજરાતના આઈ.એસ.આર. ઉપરાંત ઓક્સફર્ડ એકેડેમિક દ્વારા પણ સઘન અભ્યાસ કરાયો હતો. જેમાં ચોમાસા પછી વરસાદી પાણી અને જળાશયમાં ઉતરતું પાણી જમીનમાં 20 કિ.મી. ઊંડે આવેલા ધરતીના પોપડાના ફોલ્ટ્સ(તિરાડો)માં જતા ફ્યુઅલ પ્રસરના પગલે આ કંપનો ઉદ્ભવવે તેવું તારણ રહ્યું છે.

ભૂકંપ પાછળ ઓક્સફર્ડ સહિત અભ્યાસનું તારણ

ટૂંકમાં જમીનનું આગવું બંધારણ અને તેમાં ડેમ-વરસાદી જળ અંદર ઉતરતી થતી પ્રક્રિયા ભૂકંપીય ગતિવિધિ માટે કારણભૂત હોવાનો વૈજ્ઞાનિકોનો સૂર છે. અર્થાત્ ભૂકંપનું કારણ તો ધરતીની અંદરના ફોલ્ટલાઇન હોય છે. પરંતુ વરસાદી કે ડેમનું પાણીનું પ્રેશર અનભૂર્તળનું ખાસ બંધારણ શ્રેણીબદ્ધ ભૂકંપો વધારી શકે. ઉલ્લેખનીય છે કે, તાલાલા તથા ભૂકંપના લોકેશન નજીક એક બાજુ કમલેશ્વર ડેમ, બીજી બાજુ હિરણ-2 અને ત્રીજી બાજુ માલણકા ડેમ આવેલા છે. આ ઉપરાંત હિરણ નદી પણ નજીકમાં છે.

સાસણ-તાલાલા ગીર પંથકમાં 2.9ની તીવ્રતા સહિત શ્રેણીબદ્ધ પાંચ ભૂકંપો

ગિરનાર ફોલ્ટ સહિત ત્રણ ફોલ્ટલાઇન ધરાવતી ધરતી પર વસેલા તાલાલા(ગીર), સાસણ ગીર વિસ્તારમાં ઓક્ટોબરના આરંભથી 'સ્વાર્મ અર્થક્વેક' અર્થાત્ શ્રેણીબદ્ધ, ઉપરાઉપરી ભૂકંપના હળવાથી તીવ્ર આંચકા શરૂ થયા છે અને શનિવારે(24 ઓક્ટોબર) બપોરે 2:02 વાગ્યે 2.9ની તીવ્રતા સહિત ગત રાત્રિથી બપોર સુધીના 17 કલાકમાં પાંચ આંચકાથી ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

શુક્રવારે(23 ઓક્ટોબર) રાત્રિના 9:57 વાગ્યે 2.2ની તીવ્રતાના આંચકો આવ્યા બાદ 10:18 વાગ્યે ફરી 1.8નો આંચકો અને બીજા દિવસે બપોરે માત્ર 10 મિનિટમાં ઉપરાઉપરી ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં બપોરે 1:59 વાગ્યે 2.4ની તીવ્રતા, 2:02 વાગ્યે સૌથી વધુ તીવ્રતાનો 2.9 મેગ્નિટ્યુડનો અને 2.10 વાગ્યે 1.7ની તીવ્રતાના આંચકો નોંધાયો હતો. આ પહેલા ગત 1 ઓક્ટોબરે 3.2નો ભૂકંપ આવ્યો હતો અને તે સાથે અનેક નાના આંચકા આવ્યા હતા. હજુ ત્રણ દિવસ પહેલા 21 ઓક્ટોબરે બુધવારના રોજ પણ આ વિસ્તારના લોકેશનથી ત્રણ કિ.મી. દૂર 2.8નો ભૂકંપ તથા અન્ય હળવા આંચકા આવ્યા હતા.